રાજકોટ મહાનગરપાલિકાની સિટી બસના ડ્રાઈવરને હાર્ટએટેક આવતા બસને અકસ્માત થયો હતો જેમાં એક મહિલાનું પણ મોત નીપજ્યું હતું. આ ઘટનાની તપાસ કરતા બહાર આવ્યું હતું કે, ડ્રાઈવરની ઉંમર 66 વર્ષ 9 મહિનાની હતી. એસ.ટી. તેમજ આરટીઓના નિયમ મુજબ 62 વર્ષ કરતાં વધુની વ્યક્તિની જાહેર પરિવહનના વાહનો આપી શકાય નહીં. 55 વર્ષની વધુની વયના ડ્રાઈવરના તો ફિટનેસ ટેસ્ટ પણ ફરજિયાત છે. જ્યારે મનપામાં ઉંમર કે પછી ફિટનેસ ટેસ્ટનો કોઇ નિયમ જ નથી. આ મામલો બહાર લાવતા જ મનપા સફાળી જાગી છે અને તમામના ફિટનેસ ટેસ્ટ કરાવવા નિર્ણય લીધો છે. જોકે હજુ સુધી એકપણ ડ્રાઈવરના મેડિકલ ચેકઅપ થયા નથી.
અકસ્માત થયાના બીજા જ દિવસે એજન્સીને નોટિસ આપી મેડિકલ ચેકઅપ કરાવવાનું કહ્યું હતું તેમજ સિવિલ હોસ્પિટલને પણ પત્ર લખીને વ્યવસ્થા કરાવવા કહ્યું હતું. જોકે પત્ર લખાયા બાદ આરએમઓ તરફથી પ્રત્યુત્તર આવ્યો નથી. હજુ પણ બધા ડ્રાઈવર મેડિકલ ચેકઅપ વગર વાહનો દોડાવી રહ્યા છે. જેને લઈને મનપાની સિટી બસ સેવાના અધિકારીઓ રૂબરૂ અથવા તો ફોન પર સંપર્ક કરીને દરરોજ 10થી 15 ડ્રાઈવરના મેડિકલ ચેકઅપ તાકીદે કરવામાં આવે તેની વાત કરવામાં આવશે.