એવુ કહેવાય છે કે ગુનેગારો એક ડગલું આગળ હોય છે અને પોલીસ એક ડગલું પાછળ પરંતુ, સુરતમાં એક એવા ડ્રગ્સ માફિયાનો પર્દાફાશ થયો છે, જેણે પોલીસને ચકમો આપવા માટે તમામ ટેકનોલોજીનો ઉપયોગ કર્યો હતો. આશ્ચર્યની વાત એ છે કે આ ડ્રગ્સ માફિયા શિવા ઝાલા પોતે ભલે અભણ હોય, પણ તેના કરતૂતો જોઈને સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) ની ટીમ પણ દંગ રહી ગઈ હતી. પોલીસે શિવા ઝાલાના ઘરે લાઈવ રેડ પાડીને હાઈ-ટેક ડ્રગ્સ ટ્રાફિકિંગ રેકેટનો પર્દાફાશ કર્યો છે. આ રેડમાં પોલીસે 30 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. લાઈવ રેડ દરમિયાન ઘરની અંદર ચોરખાનામાંથી હથિયારો અને વોકીટોકી મળ્યા હતા.
ચોરખાનામાંથી હથિયારો અને વોકીટોકી મળ્યા શિવા ઝાલાએ પોલીસથી બચવા માટે પોતાના ઘરને એક કિલ્લાની જેમ સુરક્ષિત બનાવ્યું હતું. તેના ઘરની સીડી પાસે એક ગુપ્ત ચોરખાનું બનાવવામાં આવ્યું હતું. જ્યારે પોલીસે આ ચોરખાનાની તપાસ કરી, ત્યારે અંદરથી 4 વોકીટોકી, 2 પિસ્તોલ અને કાર્ટીજ મળી આવ્યા હતા. આ વોકીટોકી તેણે એમેઝોન પરથી ખરીદ્યા હતા અને તેનો ઉપયોગ પોતાના માણસો સાથે વાતચીત કરવા માટે કરતો હતો. ડ્રગ્સ માટે “કપડુ” અને પોલીસ માટે “કાટી” જેવા કોડવર્ડનો ઉપયોગ થતો હતો, જેથી પોલીસ ટ્રેસ ન કરી શકે.
SOGના DCP રાજદીપસિંહ નકુમે જણાવ્યું કે, “શિવા ઝાલા એકદમ અભણ જેવો વ્યક્તિ છે, પરંતુ ગુનાની દુનિયામાં તે માસ્ટરમાઈન્ડ છે. તેણે પોતાના ઘરમાં લગભગ 24 જેટલા હાઈ-ડેફિનેશનના નાઈટ વિઝન CCTV કેમેરા લગાવ્યા હતા. આ તમામ કેમેરાનું લાઈવ મોનિટરિંગ તે 55 ઈંચના ટીવી પર કરતો હતો. તેના ઘરની આસપાસ કોની અવરજવર છે, પોલીસની કોઈ મૂવમેન્ટ છે કે કેમ, તે સતત આ ટીવી પર નજર રાખતો હતો.” પોલીસની કોઈ શંકાસ્પદ મૂવમેન્ટ જણાય તો તે તરત જ ડ્રગ્સનો જથ્થો સગેવગે કરી દેતો હતો. આ કારણોસર પોલીસ માટે તેને પકડવો એક પડકાર હતો. શિવા ઝાલાએ પોતાના 4 માણસોને વોકીટોકી આપીને ઘરની આસપાસ તૈનાત રાખ્યા હતા, જેઓ પોલીસની ગતિવિધિઓ પર નજર રાખતા હતા.