સૌરાષ્ટ્રની સૌથી મોટી રાજકોટની સિવિલ હોસ્પિટલ ફરી એકવાર વિવાદમાં આવી છે. શહેરના કોઠારિયા રોડ પર આવેલી શ્રદ્ધા સોસાયટીમાં રહેતા 73 વર્ષીય વૃદ્ધનું બીમારીના કારણે અવસાન થયા બાદ જરૂરી તબીબી પ્રક્રિયામાં થયેલા વિલંબને કારણે મૃતદેહ બે કલાક સુધી હોસ્પિટલમાં રઝળ્યો હતો. તબીબે મૃત્યુ બાદ રીટ્રોગેટ MLC (મેડિકો લીગલ કેસ) જાહેર કર્યો હતો, પરંતુ આ પછી પોલીસ ચોકીએ જઈને જરૂરી પ્રક્રિયા પૂર્ણ કરવા નહીં આવતા પરિવારજનોમાં આક્રોશ ફેલાયો હતો.
જો કે, બાદમાં આરએમઓએ અન્ય ડોક્ટરને મોકલી MLC કરાવતા મામલો થાળે હતો. સમગ્ર મામલે સિવિલનાં મીડિયા કો-ઓર્ડીનેટરે દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં મોડા આવેલા ડોક્ટર અન્ય ઇમરજન્સીમાં હોવાનો લુલો બચાવ કર્યો હતો. એટલું જ નહીં તેનું નામ પણ જાહેર કરવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો હતો.
પ્રાપ્ત વિગત મુજબ, શહેરની હુડકો ચોકડી પાસે રહેતા 73 વર્ષીય મહેશભાઇ ચુનીલાલ જોબનપુત્રાને ગંભીર હાલતમાં સિવિલ હોસ્પિટલના ઇમરજન્સી વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેઓ લાંબા સમયથી શ્વાસની તકલીફ અને ડાયાબિટીસની સારવાર હેઠળ હતા. આજે વહેલી સવારે 5 વાગ્યે સારવાર દરમિયાન તેઓ અચાનક બેભાન થઈ ગયા હતા અને ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. સામાન્ય રીતે જે કેસ શરૂઆતમાં MLC ન હોય, તેમાં મૃત્યુનું સચોટ કારણ જાણવા માટે તબીબ દ્વારા રીટ્રોગેટ MLC કરવામાં આવે છે. આ પ્રક્રિયા મુજબ, જે તબીબે આ નિર્ણય લીધો હોય તેમણે પોતે જ પોલીસ ચોકીએ જઈને ફાઈલ પર હસ્તાક્ષર કરવાના હોય છે. બાદમાં આ અંગે આગળની કાયદેસરની કાર્યવાહી થઈ શકે છે.
ઇમરજન્સી વિભાગ પાસે પરિવારજનોનો હોબાળો પરિવારજનોનો આક્ષેપ છે કે, જ્યારે તેઓ ફાઈલ લઈને પોલીસ ચોકીએ પહોંચ્યા, ત્યારે ફરજ પરના તબીબે ત્યાં આવવાનો ઈનકાર કરી દીધો હતો. તેઓએ એવું બહાનું આગળ ધર્યું હતું કે તેમનો અન્ય દર્દીઓનો રાઉન્ડ ચાલુ છે અને તેઓ અત્યારે આવી શકશે નહીં. આ સાંભળીને શોકગ્રસ્ત પરિવારજનોના સંયમની મર્યાદા તૂટી હતી અને તેઓએ ઇમરજન્સી વિભાગ પાસે એકઠા થઈને હોબાળો મચાવ્યો હતો. સિવિલ હોસ્પિટલ તંત્રની આવી લાપરવાહીને કારણે મૃતદેહ અંતિમ સંસ્કાર માટે લઈ જવામાં મોડું થતા વાતાવરણ ગરમાયું હતું.