રાજકોટ સહિત રાજ્યભરમાં નવેમ્બર માસથી શરૂ થયેલી SIR એટલે કે, સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝનની કામગીરી પૂર્ણ થઇ છે. ‘સર’ બાદ રાજકોટ જિલ્લામાં સમાવિષ્ટ આઠ વિધાનસભા બેઠકમાં 2.95 લાખ જેટલા મતદાર પર કાતર ફરી જતા હવે રાજકોટ જિલ્લામાં 20,95,000થી વધુ મતદાર રહ્યા છે.
‘સર’ કાર્યવાહી પહેલાં રાજકોટ જિલ્લામાં 23,91,027 મતદાર હતા. જે પૈકી 7,210 મતદાર વર્ષ 2002ની મતદાર યાદીની તુલનાએ પુરાવા રજૂ કરી શક્યા ન હતા. આ ઉપરાંત મૃત્યુ, ગેરહાજર, ડુપ્લિકેટ, સ્થળાંતર અને પરપ્રાંતીય મતદારો પણ મોટા પ્રમાણમાં કાતર ફરી હોવાનું સામે આવ્યું છે.
કેન્દ્રીય ચૂંટણી પંચના આદેશ બાદ તા.4 નવેમ્બરથી રાજકોટ જિલ્લામાં ઘેર-ઘેર એન્યુમરેશન ફોર્મ વિતરણ સાથે ‘સર’ની કામગીરી શરૂ થઇ હતી.
ડિસેમ્બર-2025માં ‘સર’ બાદ મતદાર યાદીની પ્રાથમિક પ્રસિદ્ધિ થતા જિલ્લાની આઠ વિધાનસભા બેઠકમાં નોંધાયેલા 23.91 લાખ પૈકી 2.25 લાખ મતદાર નો-મેપિંગ કેટેગરીમાં સમાવી લેવામાં આવ્યા હતા.