ડુંગળીએ ખેડૂતોને રોવડાવ્યા, કિલોના રૂ.2.75 ભાવ બોલાતા હરાજી બંધ

રાજકોટ માર્કેટ યાર્ડમાં ડુંગળીની મબલખ આવક થતા ભાવ તળિયે પહોંચી ગયા છે અને તેના પરિણામે ધરતીપુત્રોને રોવાના દિવસો આવ્યા છે. હાલમાં નવરાત્રિ પૂર્વે જ યાર્ડમાં ડુંગળીની ચિક્કાર આવક થતા સત્તાધીશોએ ખેડૂતોને નુકસાની ન જાય તે માટે મંગળવારે વહેલી હરાજી બંધ કરી દેવામાં આવી હતી અને બુધવારથી ડુંગળીની એકાંતરા એન્ટ્રી આપવાનો નિર્ણય કરાયો છે.

માર્કેટ યાર્ડના સૂત્રોએ જણાવ્યા અનુસાર રાજકોટ યાર્ડમાં મંગળવારે 4,36,000 કિલો ડુંગળી ઠલવાઇ હતી અને હરાજીમાં પ્રતિ 20 કિલોનો રૂ.55થી 290ના ભાવે વેપાર થયો હતો. જેમાં નબળી ક્વોલિટીની ડુંગળીના ભાવ રૂ.50થી 70 જ ઉપજતા હોય ખેડૂતોને લોડિંગ-અનલોડિંગના ચાર્જ પણ વધી જતા હોય ખેડૂતોને રોવાના દિવસો આવ્યા છે. રાજકોટ યાર્ડમાં રાજકોટ, લોધિકા અને પડધરી તાલુકાના ખેડૂતો પોતાનો માલ ઠલવે છે.

હાલમાં જૂની ડુંગળીની આવક છે જે બગડી જવાની વધુ ફરિયાદો રહે છે. તેથી ઘરાકીનો પણ અભાવ રહે છે. જ્યારે નવો માલ નવરાત્રિ બાદ શરૂ થશે ત્યારે નવા ખરીદારો પણ આવશે. મંગળવારે નબળી ડુંગળીના ભાવ ઘટતા-ઘટતા તળિયે રૂ.55 પ્રતિ 20 કિલો એટલે કે પ્રતિ કિલોનો ભાવ રૂ.2.75 થઇ જતા હરાજી અટકાવી દેવાઇ હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *