ડિમોલિશન સમયે મનપાની ટીમ પર પથ્થરના ઘા: ઇજનેરને ઇજા

રાજકોટ મહાનગરપાલિકાના સૂત્રોએ જણાવ્યા અનુસાર નાયબ કમિશનર એચ.આર. પટેલની સૂચનાથી એડિશનલ સિટી એન્જિનિયર એ.એ.રાવલના માર્ગદર્શન હેઠળ ટાઉન પ્લાનિંગ શાખાએ શહેરના સેન્ટ્રલ ઝોન વિસ્તાર પૈકી વોર્ડ નં.3માં જામનગર રોડ પર ક્રાઇમ બ્રાન્ચની કચેરીની સામે આવેલા રેવન્યુ સરવે નં.626 પૈકીની સરકારી ખરાબાની જમીનમાં ગેરકાયદે ખડકાયેલા 50 જેટલા દબાણ દૂર કરવા અગાઉ નોટિસ આપી હતી. આમ છતાં દબાણો દૂર ન થતા ગુરુવારે ટી.પી.શાખાએ ચુસ્ત બંદોબસ્ત સાથે દબાણો દૂર કરવા ઓપરેશન ડિમોલિશન હાથ ધર્યું હતું અને ટીમો બુલડોઝર સાથે ઘટનાસ્થળે દોડી ગઇ હતી.

મહાનગરપાલિકા દબાણ દૂર કરવા કાર્યવાહી કરી રહી હતી ત્યારે ઉપસ્થિત લોકોના ટોળાંમાંથી કોઇએ પથ્થરનો ઘા કરતા પ્રકાશભાઇ નામના ઇજનેરને ઇજા પહોંચી હતી અને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવા પડ્યા હતા. જેના પગલે વાતાવરણ તંગ થઇ ગયું હતું. બાદમાં તંત્રએ દબાણ હટાવનું ઓપરેશન હાથ ધરી રૂ.15 કરોડની 3 હજાર ચો.મી. જમીનમાંથી 50 જેટલા ગેરકાયદે ખડકાયેલા રહેણાક અને બિન રહેણાક બાંધકામો તોડી પાડી દૂર કર્યા હતા. આ ઓપરેશનમાં ફાયર એન્ડ ઇમર્જન્સી સર્વિસીસનો સ્ટાફ, રોશની શાખાનો સ્ટાફ અને વિજિલન્સ શાખાનો સ્ટાફ પણ જોડાયો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *