રાજકોટના જૂના એરપોર્ટ રોડ પર પત્રકાર સોસાયટી નજીક રહેતા 76 વર્ષીય નિવૃત્ત શિક્ષકને 20 દિવસ સુધી ડિજિટલ એરેસ્ટ કરી ગઠિયાઓ દ્વારા 1.14 કરોડ પડાવી લેવાની ફરિયાદ નોંધાતાં સાયબર ક્રાઇમ પોલીસે એક આરોપીની ધરપકડ કરી છે.
પોલીસે કમિશનથી બેન્ક એકાઉન્ટ ભાડે આપનાર જેતપુરના શખ્સની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. આ ઉપરાંત પોલીસની પ્રાથમિક તપાસમાં ડિજિટલ એરેસ્ટથી સાયબર ગઠિયાઓ દ્વારા વૃદ્ધ પાસેથી મેળવેલ રકમ ગુજરાત ઉપરાંત મહારાષ્ટ્ર, ઉત્તરપ્રદેશ અને મધ્યપ્રદેશ સહિતના રાજ્યોના બેન્ક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી હોવાનું સામે આવ્યું છે. હાલ અન્ય આરોપીઓને ઝડપી પાડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.
4.97 લાખ રૂપિયા સુજલના એકાઉન્ટમાં જમા થયા હતા પોલીસ તપાસમાં આરોપી સુજલે સાયબર માફિયાઓને 10 હજાર રૂપિયા કમિશન મેળવી પોતાનું એકાઉન્ટ વાપરવા માટે ભાડે આપ્યું હોવાનું સામે આવ્યું છે. આ ઉપરાંત ડિજિટલ ફ્રોડની રકમના 1.14 કરોડ પૈકી 4.97 લાખ રૂપિયા સુજલના એકાઉન્ટમાં જમા થયા હોવાનું સામે આવ્યું છે. તેને એ રકમ જેતપુરના જ અન્ય એક શખ્સના ખાતામાં જમા કરાવી હતી. જે હાલ નાસી જતા પોલીસે તેની શોધખોળ હાથ ધરી છે. સુજલ કોઈ કામધંધો કરતો ન હતો અને શોર્ટકર્ટથી વગર મહેનતથી રૂપિયા કમાવવાની લાલચમાં આવી જતા હવે જેલના સળિયા પાછળ ધકેલાવાનો વારો આવ્યો છે.