ડાયમંડ સિટીમાં GST કૌભાંડનો પર્દાફાશ

આર્થિક ગુનાઓ પર નજર રાખતી દેશની ટોચની એજન્સી DGGIની ટીમે સુરતમાં કરોડો રૂપિયાના GST કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. ભંગારના ધંધાના નામે 125 કરોડનું જંગી ટ્રાન્ઝેકશન કરીને સરકારને 19 કરોડની બોગસ ઇનપુટ ટેક્સ ક્રેડિટ (ITC)નો ચૂનો લગાવનારા મુખ્ય આરોપી શેખ યુસુફ અબ્દુલ ગફુરની ધરપકડ કરવામાં આવી છે. ગોરાટ રોડ પર કરોડો રૂપિયાના આલિશાન ફ્લેટમાં રહેતા આ આરોપીને મોડી સાંજે કોર્ટમાં રજૂ કરવામાં આવતા તેને 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવાનો હુકમ કરવામાં આવ્યો હતો.

બોગસ બિલિંગ દ્વારા 19 કરોડની ITCનો દાવો DGGIને મળેલી ચોક્કસ બાતમીના આધારે આ સમગ્ર કૌભાંડનો ભાંડો ફૂટ્યો હતો. ધરપકડ કરાયેલ આરોપી શેખ યુસુફ અબ્દુલ ગફુર (રહે. બી-402, એક્સલુઝિવ, ગોરાટ રોડ) અગાઉ તુરાવા મહોલ્લામાં ભંગારનો નાનો ધંધો કરતો હતો. જોકે, ટૂંકા સમયમાં જ તેણે ‘મોટા ખેલ’ પાડવાની શરૂઆત કરી.

પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી મુજબ આરોપીએ સૌપ્રથમ એમ.એસ. સ્ક્રેપના નામે પેઢી ખોલી અને ત્યારબાદ ન્યૂ નાલબંધ ટ્રેડિંગના નામે પણ ધંધો શરૂ કર્યો હતો. આ પેઢીઓનો ઉપયોગ માલની વાસ્તવિક હેરફેર વિના માત્ર બોગસ બિલિંગ કરવા માટે થતો હતો. આ બનાવટી બિલિંગના આધારે આરોપીએ સરકાર પાસેથી કુલ 19 કરોડની ઇનપુટ ટેક્સ ક્રેડિટનો દાવો કરીને તેને ગેરકાયદેસર રીતે ઉસેટી લીધી હતી. તેના બેંક ખાતાઓ અને પેઢીના ચોપડામાં કુલ 125 કરોડનું શંકાસ્પદ ટ્રાન્ઝેકશન જોવા મળ્યું છે. આ બોગસ વ્યવહારો દ્વારા આરોપીએ કરોડો રૂપિયાની કમાણી કરી હોવાની માહિતી DGGIને મળી હતી, જેના આધારે તેની ધરપકડની કાર્યવાહી કરવામાં આવી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *