ચાલુ ટ્રેને ચડવા જતા મુસાફરો પડી જઇ જીવ ગુમાવ્યાના અગાઉ અનેક બનાવો પ્રકાશમાં આવ્યા છે, પરંતુ છેલ્લા કેટલાક સમયથી આવા બનાવો અટકાવવાના ભાગ રૂપે રેલવે પ્રોટેક્શન ફોર્સ તેમજ રેલવે કર્મચારીઓ ટ્રેન આવતી-જતી હોય ત્યારે સતર્ક રહેવા લાગ્યા છે. આવા જ એક કિસ્સામાં ચાલુ ટ્રેનમાંથી પડી ગયેલા પ્રૌઢાની જામનગરના સેક્શન એન્જિનિયરે જિંદગી બચાવતા તંત્ર દ્વારા સન્માન કરવામાં આવ્યું છે.
રાજકોટ ડિવિઝનના અને જામનગર કેરેજ એન્ડ વેગન ડેપોમાં સિનિયર સેક્શન એન્જિનિયર તરીકે ફરજ બજાવતા જિતેન્દ્રકુમાર આર. તા.20-5ના રોજ જામનગર સ્ટેશનના પ્લેટફોર્મ 3 ઉપર મેન્ટેન્સની ડ્યૂટીમાં તૈનાત હતા. ત્યારે વહેલી સવારે 4.45 કલાકે જામનગર-વડોદરા ઇન્ટરસિટી એક્સપ્રેસ પ્લેટફોર્મ પરથી રવાના થઇ હતી. ટ્રેન પ્લેટફોર્મ પરથી જઇ રહી હતી તે સમયે એક 52 વર્ષીય મહિલા ચાલુ ટ્રેને ચડવાનો પ્રયાસ કરી રહી હતી. તે મહિલાએ ડબ્બાના દરવાજાનું હેન્ડલ પકડી લીધા બાદ ચડી નહિ શકતા તે પ્લેટફોર્મ અને ટ્રેનની વચ્ચે ફસડાવાની સાથે ઢસડાઇ હતી. ત્યારે પ્લેટફોર્મ પર ઊભેલા જિતેન્દ્રકુમાર મહિલાને પડતી જોઇ જતાં તુરંત ત્યાં દોડી ગયા હતા. મહિલાની કમરથી નીચેનો ભાગ કોચ અને પ્લેટફોર્મની વચ્ચે ફસાયેલો હોય મહિલાનો હાથ હેન્ડલમાંથી છોડાવી પ્લેટફોર્મ તરફ ખેંચી રાખી હતી. સ્ટેશન પર બનેલા બનાવને પગલે તુરંત ટ્રેનના ગાર્ડને જાણ કરવામાં આવતા ઇમર્જન્સી બ્રેક લગાવી ટ્રેનને અટકાવવામાં આવી હતી. બાદમાં સામાન્ય રીતે ઘવાયેલી મહિલાને બહાર કાઢી જીવ બચાવ્યો હતો. માનવતાનું ઉદાહરણ પૂરું પાડી સતર્કતા દાખવનાર રેલવે કર્મચારી જિતેન્દ્રકુમારને પશ્ચિમ રેલવેના જનરલ મેનેજર અશોકકુમાર મિશ્રે શ્રેષ્ઠ કામગીરી બદલ સન્માનિત કર્યા હતા.