રાજકોટના બેડી ગામ પાસે ગત રાત્રે એકટીવામાં જતા પિતા-પુત્રીને ટ્રક ચાલકે અડફેટે લીધા હતા જેને કારણે 20 વર્ષીય યુવતીને બન્ને પગે ફ્રેકચર અને પગની આંગળીમાં ટાંકા આવ્યા છે. આ બનાવ અંગે બેડી ગામે રહેતી અને મજૂરીકામ કરતી 20 વર્ષીય મીરાબેન રાજેશભાઈ સેલાણીયાએ કુવાડવા રોડ પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, બેડી ગામમાં રહું છું અને વાજડી વડ GIDCમાં બાલાજી વેફર્સ નામના કારખાનામાં મજૂરીકામ કરું છું. હું ધોરણ 10 સુધી ભણેલ છું. ગત રાત્રિના 12.30 વાગ્યાના અરસામાં હું તથા મારા બાપુજી રાજેશભાઈ એકટીવા લઈને રાજકોટથી અમારા ઘર તરફ જતા હતા.
આ એક્ટિવા મારા બાપુજી ચલાવતા હતા ત્યારે મોરબી રોડ બેડી ગામ જે.ડી. હોટલ પાનની દુકાનની સામે અમારા ગામની અંદર જતા હતા ત્યારે રોડની સામેના ભાગેથી એક ટ્રક જેના નં. GJ-39-T-5667નો ચાલક પોતાનો ટ્રક પુરઝડપે આવીને એક્ટિવાને અડફેટે લેતા હું તથા મારા બાપુજી ફંગોળાઈને રોડ પર પડી ગયા હતા. થોડીવારમાં ત્યાં ઘણા બધા માણસો ભેગા થઈ ગયા હતા. તેમાંથી કોઈએ 108ને ફોન કરી બોલાવતા 108 એમ્બ્યુલન્સ આવી ગઈ હતી અને સિવિલમાં સારવાર માટે ખસેડવામાં આવી હતી. આ અકસ્માતના બનાવમાં ડાબા તેમજ જમણા પગના ભાગે ઇજાઓ થઈ છે. જેમાં બંને પગે ફ્રેકચર પણ છે તેમજ પગની આંગળીમાં ટાંકા આવ્યા છે તો આ ટ્રકના ચાલક વિરુધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે.