રાજકોટ જિલ્લાના કોટડાસાંગાણી પાસેના ખરેડા ગામે બેકાબૂ ટ્રકે ઠોકરે લેતા યુવકનું મોત નીપજ્યું હતું. બનાવને પગલે કોટડાસાંગાણી પોલીસે તપાસ કરતા રાત્રીના યુવક બાથરૂમ કરવા બહાર નીકળી પગપાળા રોડ ક્રોસ કરવા જતા બનાવ બન્યાનું તેમજ અકસ્માત બાદ ચાલક ટ્રક મૂકી નાસી ગયાનું બહાર આવતા પોલીસે ટ્રકચાલક સામે ગુનો નોંધી ચાલકની ધરપકડ કરવાની કાર્યવાહી કરી છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ ખરેડા ગામે રહેતા મહેશભાઇ બાબુભાઇ ખુમાણ (ઉ.39) શનિવારે રાત્રીના તેના ઘર પાસે પગપાળા રોડ ક્રોસ કરતા હતા ત્યારે ટ્રકે ઠોકરે લીધા હતા. બનાવને તેના પરિવારજનો સહિતના લોકો એકઠા થઇ ગયા હતા અને ગંભીર રીતે ઘવાયેલા યુવકને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતા જેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. જાણ થતા કોટડાસાંગાણી પોલીસ મથકના જમાદાર વી.સી. જાડેજા સહિતના સ્ટાફે તપાસ કરતા મૃતક મહેશભાઇને સંતાનમાં એક પુત્રી અને એક પુત્ર હોવાનું તેમજ મજૂરીકામ કરી પરિવારનું ગુજરાન ચલાવતા હતા. પોલીસની વધુ પૂછતાછમાં તેના પરિવારે જણાવ્યું હતું કે, રાત્રીના ઘેરથી બાથરૂમ કરવા માટે રોડ ક્રોસ કરતા હતા ત્યારે આ બનાવ બન્યાનું બહાર આવતા પોલીસે મૃતક મહેશભાઇની પત્ની હેતલબેનની ફરિયાદપરથી અકસ્માત બાદ ટ્રક મૂકી નાસી જનાર ચાલક સામે ગુનો નોંધી તેની ધરપકડ કરવાની કાર્યવાહી કરી છે.