ટેન્કરમાંથી નીકળેલા મરેલા ઉંદરની અંતિમ યાત્રા કાઢી!

ખેડાના નડિયાદ તાલુકામાં આવેલા પીજ ગામે છેલ્લા પાંચ દિવસથી પીવાના પાણીની સમસ્યા ચાલી રહી છે. ગામના વિવિધ વિસ્તારોમાં પાણી ન મળતા ગ્રામજનો હાલાકી ભોગવી રહ્યા છે. આ વચ્ચે પંચાયત દ્વારા મોકલાયેલા પાણીના ટેન્કરમાંથી મરેલો ઉંદર નીકળ્યો હતો. જેથી લોકોએ હોબાળો મચાવ્યો હતો.

આ ઘટનાથી રોષે ભરાયેલા ગ્રામજનોએ મરેલા ઉંદરની અંતિમ યાત્રા કાઢી હતી. ‘હાય રે સરપંચ હાય હાય’ના નારા લગાવી પંચાયત કચેરીએ પહોંચી વિરોધ નોંધાવ્યો હતો. પાણીની સમસ્યા મુદ્દે સવાલો ઉઠાવ્યા હતા.

પીજ ગામમાં છેલ્લા 5 દિવસથી પીવાના પાણીની સમસ્યા જોવા મળી રહી છે, જેના કારણે ખાસ કરીને મહિલાઓને ઘરકામમાં ભારે મુશ્કેલીઓ પડી રહી છે. ગામમાં 4 પાણીની ટાંકીઓ અને 12 પંચાયતી બોર હોવા છતાં ગ્રામજનોને પાણી માટે વલખા મારવા પડી રહ્યા છે. પાણીની તંગી દૂર કરવા માટે ગ્રામજનોએ પંચાયત પાસે ટેન્કરની માંગણી કરી હતી, પરંતુ આ ટેન્કરના પાણીમાં મરેલો ઉંદર નીકળ્યો હતો. જેથી લોકોના આરોગ્ય સામે ખતરો ઊભો થયો હોવાની લાગણી વ્યાપી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *