ફી નિયમન સમિતિ (ટેક્નિકલ) દ્વારા ઈજનેરી, ફાર્મસી, આર્કિટેક્ચર, એમ.બી.એ, એમ.સી.એ, પ્લાનિંગ સહિતના અભ્યાસક્રમ ચલાવતી ખાનગી કોલેજોની ફી નિર્ધારિત કરી છે જેમાં 11 શૈક્ષણિક સંસ્થાઓએ 5%થી વધુનો ફી વધારો માંગ્યો હતો જેની ફી હવે પછી જાહેર કરવામાં આવશે. આ ઉપરાંત 37 કોલેજોના વર્ષ 2023-24ની હયાત ફીમાં મહત્તમ 5% સુધીનો વધારો માગ્યો છે જેની કાર્યવાહી હાલ ચાલી રહી છે તેની ફી આગામી દિવસોમાં જાહેર કરવામાં આવશે.
ફી નિયમન સમિતિ (ટેક્નિકલ) દ્વારા ટેક્નિકલ પ્રોફેશનલ અભ્યાસક્રમો ચલાવતી સંસ્થાઓની વર્ષ 2024-25 અને 2025-26ની ફી નિયત કરવા માટે અરજીઓ મગાવવામાં આવી હતી. જેના અનુસંધાને કુલ 37 સંસ્થાઓએ 2023-24ની હયાત ફી માં મહત્તમ 5%ની મર્યાદામાં ફી વધારો માગ્યો હતો. કુલ 49 સંસ્થાઓ પૈકી 1 સંસ્થાએ પોતાનો અભ્યાસક્રમ બંધ કર્યો છે અને બાકીની 11 સંસ્થાઓએ પોતાની વર્ષ 2023-24ની હયાત ફીની સાપેક્ષે 5%થી વધુ રકમનો વધારો માગ્યો છે જેના માટે ફી નિર્ધારણની કાર્યવાહી ચાલી રહી છે અને આગામી સમયમાં આવી સંસ્થાઓની ફીની જાહેરાત કરવામાં આવશે.
આ ફીનું માળખું સમિતિની વેબસાઈટ www.frctech.ac.in પર ઉપલબ્ધ છે. સમિતિએ સંસ્થાઓ માટે જે તે વર્ષની નિયત કરેલ ફી માળખામાં ટ્યૂશન ફી, લાઇબ્રેરી ફી, લેબોરેટરી ફી, કમ્પ્યુટર ફી, કોષન મની, જીમખાના ફી, ઈન્ટરનેટ, યુનિવર્સિટી એફિલેશન ફી, સ્પોર્ટ્સ અને રીક્રિએશન સેલ્ફ અને પર્સનાલિટી ડેવલોપમેન્ટ ફી જેવી અન્ય ફીનો સમાવેશ થાય છે. સમિતિ દ્વારા નિર્ધારિત ફી ઉપરાંત ફક્ત જે-તે એફિલિયેટિંગ યુનિવર્સિટીને ભરવાપાત્ર ફી સિવાય અન્ય કોઈપણ ફી કે ડિપોઝિટ સંસ્થા વિદ્યાર્થીઓ પાસેથી વસૂલ કરી શકે નહીં.