ટેકાના ભાવે મગફળી વેચવા 1.77 લાખ ખેડૂતનું રજિસ્ટ્રેશન

રાજ્યભરમાં 160થી વધુ કેન્દ્ર પરથી ગત તા.9મીથી ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ કરવામાં આવી છે ત્યારે રાજકોટ જિલ્લામાં છેલ્લા 11 દિવસમાં 20800 ખેડૂત પાસેથી રૂ.353 કરોડની 4.87 લાખ ક્વિન્ટલ મગફળીની ટેકાના ભાવે ખરીદી કરાયાનું સૂત્રોએ જણાવ્યું છે. આ ટેકાના ભાવે ખરીદી 9મી ફેબ્રુઆરી સુધી ચાલુ રાખવાની સરકારે જાહેરાત કરી છે.

રાજકોટ જિલ્લા કલેક્ટર ડો.ઓમ પ્રકાશે જણાવ્યું હતું કે, રાજકોટ જિલ્લામાં 33 સ્થળે મગફળીની ખરીદી કરવામાં આવી રહી છે. મગફળીની ખરીદી માટે રાજકોટ જિલ્લામાં કુલ 1.77 લાખ ખેડૂતે રજિસ્ટ્રેશન કરાવ્યા છે. જેમાંથી 20800 ખેડૂત પાસેથી અત્યાર સુધીમાં 4.86 લાખ ક્વિન્ટલ મગફળીની ખરીદી કરી લેવાઇ છે.

સરકાર દ્વારા ખેડૂતોને મગફળી ખરીદી માટે પ્રતિ મણના રૂ.1356 નિયત કરવામાં આવ્યા છે. જ્યારે ઓપન માર્કેટમાં ખેડૂતોને મગફળીનો સરેરાશ રૂ.1100થી 1200 ભાવ મળતો હોય ટેકાના ભાવે મગફળી વેચવા માટે ખેડૂતો ભારે ધસારો કરી રહ્યા છે.

રાજ્ય સરકાર દ્વારા અત્યાર સુધીમાં ખેડૂતો પાસેથી કુલ 7645 કરોડના મૂલ્યની 11.27 લાખ મેટ્રિક ટન મગફળી, તેમજ રૂ.450 કરોડના 92000 મેટ્રિક ટન સોયાબીન તેમજ અન્ય જણસીની ટેકાના ભાવે ખરીદી કરાઈ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *