ટીપીએ 3033 ગેરકાયદે બાંધકામને નોટિસ આપી દૂર કર્યા માત્ર 38 જ!

કોઈપણ વેપારી ધંધાની શરૂઆત કરે તે પહેલા ચોપડામાં શ્રી સવા લખીને બોણી કરતા હોય છે. પરંપરા અને સંસ્કૃતિ એવું કહે છે કે, શ્રી સવા લખવાની સવા ગણો વેપાર થાય અને સવા ગણો ફાયદો પણ થાય. રાજકોટ મહાનગરપાલિકાની ટીપી શાખાનું પણ કદાચ આવું જ છે.

ટીઆરપી ગેમઝોન કાંડ બાદ શહેરમાં 3033 ગેરકાયદે બાંધકામોને નોટિસ આપવામાં આવી હતી.જો કે, સવા વર્ષમાં માત્ર સવા ટકા જ કામગીરી કરીને 38 ગેરકાયદે બાંધકામ દૂર કર્યા હતા. આમ માત્ર સવા ટકા કામ કરીને ટીપી શાખાએ પરંપરા અને સંસ્કૃતિના શ્રી સવા મુજબ લાભ કર્યો કે, આળસુવૃતિ દાખવી તે અંગે મ્યુનિસિપલ કમિશનરે તપાસકરાવવી જોઈએ.

મનપા તંત્રે આપેલા જવાબમાં જણાવ્યું હતું કે, 260(1) મુજબ 1565 અને 260(2) મુજબ 1468 ગેરકાયદે બાંધકામને નોટિસ આપવામાં આવી છે. જેમાંથી 38 ગેરકાયદે બાંધકામનું ડિમોલિશન કરાયું છે. જ્યારે 1-10-2022 થી 11-11-2025 સુધીમાં ઇમ્પેક્ટ ફી યોજના હેઠળ કુલ 14810 અરજી મળી છે જેમાંથી 4927 અરજી મંજૂર કરવામાં આવી છે.

ગેરકાયદે બાંધકામો અંગેની જવાબદારી અરજદાર અને આર્કિટેક્ટ બન્નેની હોય છે. આવા બાંધકામો બદલ 20 એન્જિનિયરને નોટિસ આપવામાં આવી છે અને એક એન્જિનિયર વિપુલ કે.કાસમપરાનું લાઇસન્સ સસ્પેન્ડ કરવામાં આવ્યું છે.

સેન્ટ્રલ ઝોનમાં સૌથી વધુ 3000, પૂર્વ ઝોનમાં 2500થી વધુ અને પશ્વિમ ઝોનમાં 250 જેટલી નોટિસ આપવામાં આવી છે. જેમાં સંત કબીર રોડ, લાભદીપ સોસાયટી, બિગબજાર ચોક, રોયલ પાર્ક, મોટામવા, મોકાજી સર્કલ, અંબિકા ટાઉનશિપ, અલ્કાપુરી, એરપોર્ટ રોડ, ગીતગુર્જરી, દરબારગઢ, ઘી કાંટા રોડ, ગુંદાવાડી અને પૂજારા પ્લોટનો સમાવેશથાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *