શહેરના વોર્ડ નં.7, ન્યૂ જાગનાથ પ્લોટ ખાતે આવેલ લેન્ડમાર્ક હોસ્પિટલ દ્વારા ટીપરવાનમાં બાયોમેડિકલ વેસ્ટ નાખવા બદલ રાજકોટ મહાનગરપાલિકાની સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા દ્વારા હોસ્પિટલ પાસેથી રૂ.10 હજારનો વહીવટી ચાર્જ વસૂલ કરવામાં આવ્યો છે.
મનપાના સૂત્રોએ જણાવ્યા અનુસાર ગત તા.15 જુલાઇના રોજ લેન્ડમાર્ક હોસ્પિટલ દ્વારા ઈન્જેક્શન, સિરિન્જ, નીડલ જેવો બાયોમેડિકલ વેસ્ટ ટીપરવાનમાં નાખવામાં આવ્યો હતો. જે હકીકત ધ્યાનમાં આવતા રાજકોટ મનપાની સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા દ્વારા નિયમાનુસાર કાર્યવાહી કરી રૂ.10 હજારનો વહીવટી ચાર્જ વસૂલ કરવામાં આવ્યો છે. આ કામગીરી સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગના પર્યાવરણ ઇજનેરની સૂચનાથી નાયબ પર્યાવરણ ઇજનેરના માર્ગદર્શન હેઠળ વોર્ડ નં.7ના સેનિટરી સબ ઇન્સ્પેક્ટર દ્વારા કરવામાં આવી હતી. મનપા દ્વારા અવાર નવાર તાકિદ કરવા છતાં અનેક હોસ્પિટલે બાયોમેડિકલ વેસ્ટ ટિપરવાનમાં નાખતાં દંડ ફટકારવામાં આવે છે.
મનપા દ્વારા શહેરમાં આવેલ તમામ હોસ્પિટલ, દવાખાનાઓ તથા ક્લિનિક ચલાવતા ડોક્ટરોને અનુરોધ કરાયો હતો કે તેમનો બાયોમેડિકલ વેસ્ટ ટીપરવાનમાં કે કોઇપણ અન્ય જગ્યાએ ન ફેંકતા બાયોમેડિકલ વેસ્ટના નિકાલ માટે અધિકૃત કરેલ એજન્સી Distromed Bio-Clean Pvt. Ltd. મારફત નિકાલ કરવો.