સિટી બસના કંડક્ટરો મુસાફરો પાસેથી પૈસા લઈ લે છે અને તેઓને ટિકિટ આપતા નથી. આ સિવાય અનેક મુસાફરો ટિકિટ લીધા વગર સિટી બસમાં મુસાફરી કરી લે છે. તેવા પ્રકારની ફરિયાદ મ્યુ.કમિશનરને મળી હતી. જેના અનુસંધાને સિટી બસમાં ચેકિંગ ડ્રાઈવ કરવામાં આવી હતી.
આ ચેકિંગ દરમિયાન ચાર કંડક્ટરને ફરજમુક્ત કરાયા હતા કે જેણે મુસાફરો પાસેથી પૈસા તો લઇ લીધા હતા પરંતુ તેઓએ મુસાફરોને ટિકિટ આપી નહોતી. જ્યારે બે મુસાફરો ટિકિટ લીધા વિના મુસાફરી કરતા પકડાતા તેઓને પણ પેનલ્ટી ફટકારવામાં આવી છે. રાજકોટ મહાનગરપાલિકાની હસ્તાંતરિત કંપની રાજકોટ રાજપથ લી. દ્વારા સિટી બસ તથા બી.આર.ટી.એસ. બસનું સંચાલન કરવામાં આવે છે.
હાલ સી.એન.જી. અને ઇલેક્ટ્રિક બસ દ્વારા શહેરી પરિવહન સેવા પૂરી પાડવામાં આવી રહેલ છે. અધિકારીના જણાવ્યાનુસાર બસમાં ટિકિટ લેવી તે મુસાફરોની પ્રાથમિક જવાબદારી છે. જો કોઈ મુસાફરો ટિકિટ વગર પકડાય તો તેની સામે દંડનીય કાર્યવાહી થઈ શકે છે. ઉપરાંત ટિકિટ આપવા અંગે જો કંડક્ટર દ્વારા કોઇપણ પ્રકારની અનિયમિતતા ધ્યાને આવે તો મુસાફરોને કોલ સેન્ટર નંબર 155304 પર ફરિયાદ કરવા જણાવ્યું છે. સિટી બસની સેવાનો લાભ લેવા શહેરીજનોને મ્યુનિસિપલ કમિશનર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.