રાજકોટમાં છેલ્લા એક સપ્તાહથી ઠંડીનું જોર વધી ગયું છે. જેને કારણે શિયાળુ શાકભાજીની આવકમાં પણ વધારો થયો છે. હાલ માર્કેટમાં ટમેટાં, રીંગણા, કોબીજ, કોથમીર, મરચાં સહિતના લીલા શાકભાજી રાજકોટ સહિત સૌરાષ્ટ્ર અને ગુજરાતમાંથી આવી રહ્યા છે. જેને કારણે શાકભાજીના ભાવમાં ઘટાડો થયો છે.
ગત સપ્તાહે ઠંડીનું પ્રમાણ વધ્યું જેને કારણે ટમેટાંમાં ફાલ એકસાથે આવી ગયો. આથી સ્થાનિક આવક વધી તો બીજી તરફ ખેડાથી પણ ટમેટાંની આવક વધારે થઈ રહી છે.જેને કારણે હોલસેલ માર્કેટમાં કિલોનો ભાવ રૂ.5થી 8 થઈ ગયો છે. હાલ શિયાળો અને લગ્ન સિઝન હોવાને કારણે લીલા શાકભાજીની ખરીદી પણ વધી રહી છે તેમ યાર્ડના ઈન્સ્પેક્ટર કાનાભાઇ ચાવડા જણાવે છે.