24 વર્ષ પહેલાં ફઝલ ઉર રહેમાન ગેંગએ 20 કરોડની ખંડણી ઉઘરાવવાના ઇરાદે જેનું અપહરણ કર્યું હતું એ ભાસ્કર પ્રભુદાસ પારેખ સહિત 9 શખ્સ ટંકારા રાજકોટ હાઇવે પર આવેલી કમ્ફર્ટ હોટેલના રૂમ નંબર 105માં જુગાર રમતાં આબાદ ઝડપાઇ ગયા હતા. ટંકારા તાલુકા પોલીસ હોટેલના પરિસરમાં પડેલી બે મોંઘીદાટ કારને જોઇને શંકાના આધારે રાતે એક કલાકે આ હોટેલ પર ત્રાટકી હતી અને રાજકોટ, મોરબી અને જામનગરથી ખાસ રમવા આવેલા જુગારીઓની અટકાયત કરી હતી, જ્યારે વધુ એક મોરબીના જ શખ્સનું નામ ખુલતાં તેને ઝડપી લેવા તજવીજ હાથ ધરી છે. પોલીસે સ્થળ પરથી 12 લાખ રોકડા, 2 કાર અને 8 મોબાઇલ ફોન સહિત 63.15 લાખનો મુદામાલ કબજે લીધો હતો અને જુગારીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
ટંકારા પોલીસની ટીમ નાઈટ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બાતમી મળી હતી કે ટંકારા -રાજકોટ હાઈવે પર આવેલી કમ્ફર્ટ હોટેલમાં એક શખ્સે રૂમ ભાડે રાખ્યો છે અને તેમાં રાજકોટ, જામનગર અને મોરબીથી ખેલીઓ આવ્યા છે.આ બાતમીના આધારે ટંકારા પોલીસ મથકના પી આઈ વાય. કે. ગોહિલ સહિતની ટીમ ત્રાટકી હતી અને હોટેલના પાર્કિંગમાં રહેલી કારમાં બેઠેલા બે શખ્સની હરકત શંકાસ્પદ લાગતા પોલીસે તેની પૂછપરછ કરતા એક શખ્સે પોતાનું નામ ગોપાલ રણછોડ સભાડ અને રાજકોટમાં રહેતા હોવાનું જણાવ્યું હતું તેમજ તેની પાસે રહેલી ચીજવસ્તુઓની તલાશી દરમિયાન રોકડ રકમ અને અન્ય સાહિત્ય મળી આવતા એની પૂછપરછ કરી હતી અને તેણે જ હોટેલના રૂમ નંબર 105માં જુગાર રમાતો હોવાની કબુલાત આપી હતી. જે બાદ પોલીસ રૂમમાં ધસી ગઇ હતી અને જુગારીઓના રંગમાં ભંગ પાડી હાઇ પ્રોફાઈલ જુગારધામ પકડી પાડ્યું હતું.