રાજકોટ શહેરના પૂર્વ ઝોનના વોર્ડ નં.4ના મોરબી રોડ પર સરકારી જમીન અને મહાપાલિકાના અનામત પ્લોટ પર છેલ્લા વર્ષોથી ખડકાઇ ગયેલા કાચા-પાકા ઝુંપડાના દબાણો હટાવવા મનપાની ટીપી શાખા એક્શન મોડમાં છે, ત્યારે અગાઉ 100 જેટલા ઝૂપડાના ડિમોલિશન બાદ આજે ફરી અધિકારીઓ પ્લોટને ફેન્સિંગ કરવા પહોંચ્યા હતા. પરંતુ ઝુંપડાધારકોએ માથાકૂટ કરતા અધિકારીઓએ પરત ફરવું પડ્યું હતું. મેયરના વોર્ડમાં ડિમોલિશન બાદ આ પરિવારોએ કલેકટર કચેરી ખાતે આજે રજુઆત કરી હતી, ત્યારે બે-ત્રણ દિવસમાં ફરી બાકીના દબાણો હટાવી તંત્ર પ્લોટનો કબ્જો લેવા જશે તેમ જાણવા મળ્યું છે.
આવરતત્વોનો ત્રાસ હોવાની ફરિયાદ મળી હતી મોરબી રોડ પર વેલનાથપરા તરફ પુલના રસ્તે કરોડોની કિંમતની સરકારી જમીન આવેલી છે. આ જગ્યાએ મહાપાલિકાનો અનામત હેતુનો પ્લોટ રહેલો છે. જોકે આજે અહીં માથાકૂટ થતા બેઘર બનેલા ગરીબ પરિવારોએ આજે પોતાના બાળકો સાથે કલેક્ટર કચેરીમાં પડાવ નાખી દીધો હતો અને આશરો આપવાની માગ કરી હતી. મેયર નયનાબેન પેઢડીયાને તેમના આ વોર્ડમાં આવેલા વેલનાથ પરામાં આવરતત્વોનો ત્રાસ હોવાની ફરિયાદ મળી હતી જે બાદ મેયરના કહેવાથી તપાસ કરવામાં આવી હતી અને અહીં ઝુપડા ધારકોએ દબાણ કર્યું હોવાનું સામે આવ્યું હતુ. જોકે આ ડિમોલિશન બાદ મામલો બિચક્યો હતો.