સ્માર્ટ સિટી રાજકોટની સિટી બસ હવે રાજકોટની સિટી બસ ઓ માટે કાળ સાબિત થઈ રહી છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી જેવા વિદ્યાના ધામમાં સોમવારે સિટી બસના ડ્રાઈવરે મનોવિજ્ઞાન ભવનની એક વિદ્યાર્થિની જે અભ્યાસ કરીને ઘરે જઈ રહી હતી તેને અડફેટે લઈને તેના પગ ઉપર બસ ચઢાવી દીધી હતી. લોહીલુહાણ હાલતમાં વિદ્યાર્થિનીને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવી હતી.
સિટી બસના ડ્રાઈવરે સ્પીડ લિમિટ અને રૂટના તમામ નિયમો તોડી આડેધડ બસ હંકારી વિદ્યાર્થિનીને એવી ઠોકર મારી કે કેમ્પસના રસ્તાઓ પર લોહીના ખાબોચિયા થઈ ગયા હતા. કેમ્પસમાં બસ એકદમ ધીમે ચલાવવાની હોય છે, પરંતુ સિટી બસના ડ્રાઈવરોએ કેમ્પસમાં સ્પીડ લિમિટના ધજાગરા ઉડાવી દીધા હતા.
ઘટનાની વિગતો મુજબ, યુનિવર્સિટીના આંકડાશાસ્ત્ર ભવન પાસે જ્યાં બસ માટે કોઈ નિયત રસ્તો નથી અથવા જ્યાં બસ ચલાવવાની મનાઈ છે, ત્યાં ડ્રાઈવરે મનમાની કરી બસ ઘૂસાડી હતી. શોર્ટકટ મારવાની લ્હાયમાં બેફામ બનેલા ડ્રાઈવરે રસ્તે જઈ રહેલી મનોવિજ્ઞાન ભવનની વિદ્યાર્થિનીને અડફેટે લીધી હતી.
પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, અકસ્માત એટલો ભયાનક હતો કે વિદ્યાર્થિનીના જમણા પગ પર બસનું ટાયર ફરી વળતા ગંભીર ઈજાઓ પહોંચી હતી. ઘટનાને પગલે યુનિવર્સિટીના વિદ્યાર્થીઓમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ એકઠા થઈ તંત્ર સામે ફિટકાર વરસાવી રહ્યા છે.
હાલમાં ઈજાગ્રસ્ત વિદ્યાર્થિની હોસ્પિટલમાં સારવાર હેઠળ છે અને તેને ગંભીર ઈજા પહોંચી હોવાનું અને આજે તેનું ઓપરેશન કરવું પડે તેવી સ્થિતિ હોવાનું જાણવા મળ્યું છે. બીજી તરફ, યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ જવાબદાર બસ ચાલક સામે કડક કાયદાકીય કાર્યવાહી કરવાની અને યુનિવર્સિટી સત્તાધીશો દ્વારા પોલીસ ફરિયાદ કરવાની માંગ કરી છે.