31 વર્ષ બાદ બુધવારની મોડી રાત્રે 11 કલાકે જ્ઞાનવાપીના વ્યાસ ભોંયરામાં મૂર્તિઓની સ્થાપના અને પૂજા કરવામાં આવી હતી. આ દરમિયાન ડીએમ અને પોલીસ કમિશનર હાજર રહ્યા હતા. દીવો પ્રગટાવી ગણેશ-લક્ષ્મીની આરતી કરવામાં આવી હતી. ભોંયરામાં દીવાલ પર ત્રિશૂળ સહિત અન્ય ધાર્મિક પ્રતીકોની પણ પૂજા કરવામાં આવી હતી. તે જ સમયે, ફરિયાદી પક્ષ ગુરુવારે સવારે મંદિરે પહોંચ્યો છે. વ્યાસનો પરિવાર પણ પૂજા માટે પહોંચશે.
વારાણસી ડિસ્ટ્રિક્ટ કોર્ટે બુધવારે બપોરે લગભગ 3 વાગ્યે પૂજા કરવાનો આદેશ આપ્યો હતો. ત્યારથી કાશી વિશ્વનાથ ધામ સંકુલમાં પોલીસ-વહીવટની પ્રવૃત્તિ તેજ થઈ ગઈ હતી. જિલ્લા મેજિસ્ટ્રેટ એસ રાજલિંગમ સાંજે 7 વાગ્યે પોલીસ અને વહીવટી અધિકારીઓ સાથે કાશી વિશ્વનાથ ધામ પહોંચ્યા. ડીએમ અને એડીએમએ મંદિર પ્રશાસન સાથે બેઠક યોજી હતી. તમને જણાવી દઈએ કે ભોંયરામાં પૂજા 31 વર્ષથી, એટલે કે 1993થી બંધ હતી.
અધિકારીઓએ રાત્રે 8 વાગ્યે બહારથી જ્ઞાનવાપી બેઝમેન્ટમાં તપાસ કરી હતી. રાત્રે 9 વાગ્યે કાશી વિશ્વનાથ મંદિરમાં દર્શનાર્થીઓની ભીડ ઓછી થતાં વહીવટીતંત્રે ગેટ નંબર 4 પરથી લોકોના પ્રવેશ પર રોક લગાવી દીધી હતી. લગભગ 9:30 વાગ્યે, ચુસ્ત સુરક્ષા વચ્ચે, ટ્રસ્ટના કર્મચારીઓને વિશ્વનાથ મંદિરના પૂર્વ દરવાજાથી બોલાવવામાં આવ્યા હતા અને બેરિકેડ્સને હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. લગભગ એક કલાકમાં 10.30 વાગ્યા સુધીમાં બેરિકેડિંગ હટાવી લેવામાં આવ્યું હતું.
આ પછી કાશી વિશ્વનાથ ટ્રસ્ટના કર્મચારીઓએ અંદરની સફાઈ કરી. ટ્રસ્ટ દ્વારા પૂજા સામગ્રી ભોંયરામાં લાવવામાં આવી હતી. ટ્રસ્ટના 5 પૂજારીને બોલાવ્યા. ત્યારબાદ પૂજા કરવામાં આવી હતી. કમિશનર બનારસ, સીઈઓ વિશ્વનાથ મંદિર, એડીએમ પ્રોટોકોલ, ગણેશ્વર શાસ્ત્રી દ્રવિડ અને પંડિત ઓમ પ્રકાશ મિશ્રા પૂજા સમયે ભોંયરામાં હાજર હતા. ગણેશ્વર શાસ્ત્રી દ્રવિડના નેતૃત્વમાં વિશ્વનાથ મંદિરના પૂજારી ઓમપ્રકાશ મિશ્રાએ પૂજા કરાવી હતી.