જે.કે.ચોકમાં ગેરકાયદે કોમર્સિયલ બાંધકામ અંગેમામલતદાર તંત્રનો સરવે, રોજકામ શરૂ કરી દેવાયું

રાજકોટ શહેરના હાર્દસમા આકાશવાણી ચોકથી જે.કે.ચોક સુધીના મેઇન રોડ પર ગેરકાયદે ખડકાયેલા 135 કોમર્સિયલ બાંધકામના કૌભાંડમાં પૂર્વ શહેર ભાજપ પ્રમુખ, કુલદીપ સહિતના નેતાઓ સંડોવાયેલા હોવાથી મહાનગરપાલિકા અને ગ્રામ ગૃહ નિર્માણ બોર્ડ દ્વારા કોઇ એક્શન લેવામાં આવી રહ્યા નથી ત્યારે આ બાબતની જાણ થતા રાજકોટ જિલ્લા કલેક્ટર તંત્ર દ્વારા મામલતદારને તપાસના આદેશ કરાયા હતા અને પશ્ચિમ મામલતદાર કચેરીના તલાટી મંત્રીઓ દ્વારા સોમવારથી આ દબાણો અંગે રોજકામ શરૂ કરી દેવાતા કૌભાંડીઓ પાછા દોડતા થઇ ગયા છે.

શહેરના જે.કે. ચોક પાસે ભાજપના કૌભાંડી નેતાઓેએ 135 જેટલા ગેરકાયદે કોમર્સિયલ બાંધકામ ગ્રામ ગૃહ નિર્માણ બોર્ડની જગ્યામાં ખડકી દીધા છે. આટલું ઓછું હોય તેમ મહાનગરપાલિકાએ આ બાંધકામો ઇમ્પેક્ટ ફી ભરીને રેગ્યુલરાઇઝડ કરી શકાય તેમ ન હોવા છતાં તમામ નીતિ નિયમો નેવે મૂકીને તેમને રેગ્યુલરાઇઝડ કરી દીધા છે ત્યારે ‘દિવ્ય ભાસ્કર’ દ્વારા આ કૌભાંડનો પર્દાફાશ કરાયા બાદ મહાનગરપાલિકા અને ગ્રામ ગૃહ નિર્માણ બોર્ડ દ્વારા એકબીજા પર જવાબદારીની ફેંકાફેંકી શરૂ કરવામાં આવી હતી અને અંતે જવાબદારીથી હાથ ખંખેરી નાખવામાં આવ્યા હતા.

આ તમામ ગેરકાયદે કોમર્સિયલ બાંધકામો ટીઆરપી અગ્નિકાંડ જેવી દુર્ઘટના સર્જે તેમ હોવા છતાં મનપા અને ગ્રામ ગૃહ નિર્માણ બોર્ડના તંત્રે કોઇ કાર્યવાહી ન કરતાં અંતે કલેક્ટર તંત્ર એક્શનમાં આવ્યું છે અને સોમવારથી પશ્ચિમ મામલતદાર અજિત જોશીની સૂચનાથી જે.કે. ચોકમાં તલાટીઓ દ્વારા દબાણ અંગે સરવે કરી રોજકામ શરૂ કરાયું છે. હવે આગામી દિવસોમાં આ ગેરકાયદે બાંધકામ તંત્ર તોડી પાડે છે કે પછી રાબેતા મુજબ કૌભાંડીઓને છાવરે છે તે જોવાનું રહે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *