પશ્ચિમ રેલવેના જનરલ મેનેજર અશોક મિશ્રા આજે રાજકોટની મુલાકાતે આવી રહ્યા છે અને તેઓ ઉચ્ચ અધિકારીઓ સાથે ડીનર ડિપ્લોમસીની સાથોસાથ જેતલસર-ભક્તિનગર રેલવે ટ્રેકનું વિન્ડો ટ્રોલી ઇન્સ્પેકશન કરનાર હોય અધિકારીઓમાં દોડધામ મચી ગઇ છે. આ ઉપરાંત રાજકોટ-કાનાલૂસ રેલવે ડબલ ટ્રેકની કામગીરીનું પણ ઇન્સ્પેકશન કરાય તેવી પૂરતી શક્યતા સેવાઇ રહી છે. રાજકોટ રેલવે તંત્રના સૂત્રોમાંથી મળતી માહિતી અનુસાર પશ્ચિમ રેલવેના જનરલ મેનેજર અશોક મિશ્રાએ અચાનક રાજકોટ ડિવિઝનની મુલાકાતનો કાર્યક્રમ ઘડી કાઢ્યો હતો.
જનરલ મેનેજર રાજકોટ ડિવિઝનની મુલાકાતે આવી રહ્યાની અને વિન્ડો ટ્રોલી ઇન્સ્પેક્શન કરવાના હોવાની વિગતો મળતા જ ડીઆરએમ અશ્વિનીકુમાર સહિતના ઉચ્ચ અધિકારીઓમાં દોડધામ મચી ગઇ હતી અને તાકીદે યાજ્ઞિક રોડ પરની એક હોટેલમાં ઉચ્ચ અધિકારીઓના જનરલ મેનેજર સાથેના ભોજનનો કાર્યક્રમ અને સાંજે રેસ્ટ હાઉસમાં અન્ય એક કાર્યક્રમ ગોઠવી કાઢ્યો હતો.