જેતલસરથી ડેડરવા થઈ અનેક ગામોને જોડતો રોડ એક વર્ષથી બિસ્માર બની ગયો છે. ભયંકર મસમોટા ખાડાએ જાણે અડીંગો જમાવ્યો હોય તેમ રાહદારીની કમરના મણકા ખખડાવી નાખતો રોડ રાહદારીને પોતાની મંજિલને બદલે આખરી મંજિલ સુધી પહોંચાડવા તૈયાર હોય તેવો બની જતાં હવે વરસાદ રહી ગયો છે ત્યારે તંત્ર મરામત કરે તેવી લોકમાગણી ઉઠી છે.
જેતલસરથી ડેડરવાના રોડ મુદે સંબંધિત તંત્રએ અંધાપાની પછેડી તાણી હોઈ તેમ રોડને રીપેર કરવાની જરાપણ હિલચાલ શરૂ ન કરી હોઇ, તેનો ભોગ રસ્તે જતા લોકોને બનવું પડી રહ્યું છે. થોડા સમય પહેલાં જ એક શ્રમિક પરિવાર બાઈક લઈને ત્યાંથી પસાર થઈ રહ્યું હતું ત્યારે અચાનક મસ મોટા ખાડામાં પોતાનું બાઈક ગબડી પડતા પરિવાર ઇજાગ્રસ્ત થયું હતું સાથે રહેલા બાળકને તત્કાલ સારવાર અર્થે જેતપુર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યું હતું. ભાટગામથી ભારે લોડ સાથે આવતા કોમર્શિયલ વાહનોએ રોડને તોડીને ત્રણ કટકા કરી નાખ્યા છે. તંત્રને અનેક વખત લેખિત અને મૌખિક રજૂઆત કરવા છતાં તંત્રએ વાતને એક બીજા પર ખો આપી વાતને ટાળી દીધી હોવાથી લોકરોષ આસમાને પહોંચે તે પહેલાં રોડની મરામત કરવામાં આવે તેવી માગણી છે અન્યથા લોકો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરશે તેવી સ્પષ્ટ શબ્દોમાં ચીમકી આપવામાં આવી છે.