જેતપુરની સરકારી હોસ્પિટલ ખાતે આજે હૃદયરોગના હુમલાથી મોત નિપજવાના ત્રણ બનાવ સામે આવ્યા હતા, જેમાં બે તો યુવા વયના જ દર્દી હતા. આ ત્રણેયના હૃદયના ધબકારા ઓચિંતા જ થંભી જતાં ઘડીભર તો તબીબો પણ ચોંકી ગયા હતા. આ ત્રણે યુવાનના પરિવારોમાં કલ્પાંત સર્જાયો હતો.જે ત્રણ મૃતદેહ પીએમ માટે આવ્યા તેમાં બે તો યુવા વયના યુવક હતા જેમના હૃદયરોગના હુમલાથી મોત થતા તેમના પરીવારમાં શોક છવાઇ ગયો હતો.
હાર્ટ એટેકના બનાવોની વિગતો જોઇએ તો શહેરના જૂનાગઢ રોડ પર સુંદરમ સોસાયટીમાં રહેતા અર્જુન ગોરધનભાઇ વિરડીયા ઉવ 39 નામનો યુવાન પોતાના ઘરે હતો ત્યારે તેને હૃદયરોગનો હુમલો આવતા તેને સારવાર માટે ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. પરંતુ સારવાર કારગત નીવડે તે પૂર્વે જ તેમનું મોત નીપજ્યું હતું. જ્યારે બીજા બનાવમાં તાલુકાના નવી સાંકળી ગામે રહેતો દર્શન જગદીશભાઈ વોરા ઉવ. 20 નામનો યુવાન બીસીએમાં અભ્યાસ કરે છે. તે આજે રવિવારની રજા હોય પોતાના ઘરે હતો ત્યારે તેને સવારે હૃદયરોગનો હુમલો આવ્યો હતો. જેથી તેને સારવાર માટે તરત જ જેતપુર સરકારી હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યો અહીં ફરજ પરના તબીબે તેને તપાસી મૃત જાહેર કર્યો હતો.જો કે તેને હૃદય સંબંધી કોઇ ફરિયાદ હોવાનુ઼ સામે આવ્યું નથી. આશાસ્પદ યુવાના અકાળે મોતથી પરિવાર સ્તબ્ધ બની ગયો હતો.