રાજકોટ જિલ્લાના જેતપુરમાં ડીવાયએસપી કચેરી બહાર યુવતીએ અગાઉ કરેલી જાહેરાત મુજબ જ આપઘાતનો પ્રયાસ કર્યો હતો, જેના પગલે પોલીસમાં દોડધામ મચી હતી જો કે યુવતીને સરકારી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવી હતી અને તેને તબીબોએ ભયમુક્ત ગણાવી હતી.
આ યુવતી પર અવારનવાર દુષ્કર્મ આચર્યુ થયું હોવા છતાં પોલીસ દ્વારા ફરિયાદ લેવામાં ન આવતી હોય યુવતીએ તંત્રને ઢંઢોળવા આ પગલું ભર્યું હતું. યુવતીના પરિવારે આક્ષેપ કરતા કહ્યું હતું કે તેમની પુત્રી દુષ્કર્મની ઘટનાનો શિકાર બની છે. છતાં પણ પોલીસ ગુનેગારો વિરુદ્ધ ફરિયાદ નથી લઈ રહી અને જેતપુર, વીરપુર અને જૂનાગઢના ધક્કા ખવડાવી રહી છે. આથી રૂરલ એલસીબી અથવા એસપી પાસે તપાસ કરાવાય તેવી માગણી કરી છે.
ગોંડલ તાલુકાનાં ચોરડી નજીક આવેલા વાવડીનાં વીડો ગામે રહેતી યુવતીએ રજૂઆતમાં જણાવ્યું હતું કે વાવડીના વીડો રહેતા વલ્લભભાઈ જાદવભાઇ ઘોળકીયા ઉપરાંત એક મહીલા સહીત સાત શખ્સએ મારુ અપહરણ કરી જૂનાગઢનાં દોલતપરા વિસ્તારમાં લઇ જઇ ગોંધી રાખી હતી, મૈત્રી કરાર કરાવી છરીની અણીએ દુષ્કર્મ આચરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.