જેતપુર શહેરના જીથૂડી હનુમાન મંદિર રોડ પર આવેલી ભીમભાઈની વાડીમાં મહિસાગરના વિજયભાઈ ખોટ નામના ખેતમજૂર તેમના પરીવાર સાથે ખેત મજૂરીનું કામ કરે છે. જેમાં આજે સવારે તે અને તેની પત્ની સુનિતાબેન બંને ખેત મજૂરી કામ કરતા હતાં ત્યારે તેઓની દસ માસની પુત્રી યશવી પણ ત્યાં સાથે હતી. અને તેની ત્યાં પાણીની એક કુંડી પાસે બેસાડેલી હતી. જેમાં આ મજૂર દંપતિ ખેત મજૂરી કામમાં મશગૂલ હતાં અને થોડીવાર બાદ તેમની પુત્રીને જ્યાં બેસાડી હતી ત્યાં જોતા તેણી નજરે ન પડતા ત્યાં જઈને જોતા તેની પાણીની કુંડીમાં પડી ગઇ હોવાનું જાણવા મળ્યું હતું.
આથી દંપતિએ તરત જ તેણીને બહાર કાઢી સરકારી હોસ્પિટલ લાવતા ફરજ પરના તબીબે બાળકીને તપાસી તેણીને મૃત જાહેર કરી હતી. દસ માસની પુત્રીનું અકસ્માતે પાણીની કુંડીમાં ડૂબી જવાથી મોત નિપજતા આ શ્રમિક પરીવાર ઘેરા શોકમાં ગરકાવ થઈ ગયો હતો.