ઔદ્યોગિક શહેર જેતપુરના કેટલાક સાડીની ફિનિશિંગના કારખાનેદારો, ઠેકેદારો પરપ્રાંતીય બાળકો પાસે સખત મજૂરી કરાવતા હોવાની બાતમીને આધારે સમાજ સુરક્ષા વિભાગે જુદી જુદી શાખાઓને સાથે રાખી બે યુનિટ પર દરોડો પાડીને 9 જેટલા બાળમજૂરને મુક્ત કરાવ્યા હતાં.
ઔદ્યોગિક શહેર જેતપુરમાં કેટલાક સાડી ફિનિશિંગના કારખાનાઓના ઠેકેદારો યુપી, બિહાર ઝારખંડથી બાળકો લાવી અને અહીં મહિનામાં માત્ર બે દિવસની રજા આપી સવારથી રાત સુધી સખત મજૂરી કરાવી બાળકોનું શોષણ કરે છે. બાતમીને આધારે સમાજ સુરક્ષા વિભાગે બાળ સુરક્ષાને લગતી જુદી જુદી ટીમને સાથે રાખીને શહેરના તત્કાલ હનુમાનજી ચોકડી પાસે રાધે ફિનિશિંગ અને રાધે કેલેન્ડર નામના બે કારખાનામાં છાપો માર્યો હતો. જેમાં એક કારખાનામાંથી બે અને બીજામાંથી 7 બાળક મળીને કુલ 9 બાળમજૂરો મળી આવ્યા હતાં. આ બાળ મજૂરોના ઉંમરની ખરાઈ કર્યા બાદ તેઓના નિવેદનો નોંધવામાં આવ્યા હતાં. જેમાં ઠેકેદારો પંદરથી અઢાર કલાક સખત મજૂરી કરાવતા હોવાની બાતમી ખરી નીકળી હતી. જેથી શ્રમ વિભાગ દ્વારા રાધે કેલેન્ડર અને રાધે ફિનીશીંગ નામના બે યુનિટના માલિક કુલદીપ નારીયા અને ભરત નારીયા સામે બાળમજૂર પ્રતિબંધ ધારા હેઠળ ફરિયાદ નોંધાવી બાળકોને રાજકોટ ખાતે બાલાશ્રમમાં લઇ જવાની તજવીજ હાથ ધરી હતી.