જેતપુર શહેરના ધોરાજી રોડ પર કેનાલ કાંઠે આવેલા રામેશ્વર ઇન્ડિયા એક્સપોર્ટ નામના સાડીના કારખાનાના બોઇલરમાં ગત મોડી રાતે આગ ફાટી નીકળી હતી. આ અંગે કારખાનાના માલીક મનસુખભાઇ વાઘાણીએ જણાવ્યું હતું કે, તેઓના કારખાનામાં હજુ પંદરેક દિવસ પૂર્વે જ નવું બોઇલર ફિટ કરવામાં આવ્યું છે.જો કે આગ ક્યા કારણે લાગી તેની તલસ્પર્શી તપાસ હાથ ધરવામાં આવી છે. આ ઘટના મોડી રાતે બની હોવાથી કારખાનામાં કોઇ કામદાર હાજર ન હોવાથી જાનહાનિ ટળી હતી. દશેરાએ જ ઘોડું ન દોડે એ ઉક્તિ મુજબ નગર પાલિકાનો ફાયરનો ફોન જ બંધ આવતાં આગ લાગ્યાની જાણ કરવા રૂબરૂ દોડવું પડ્યું હતું અને પાલિકાના ફાયર ફાઇટર્સએ પાણીનો મારો ચલાવીને આગ પર કાબુ મેળવ્યો હતો. પાલિકાના ફાયર ફાઇટર્સએ પાણી અને ફોમનો મારો ચલાવી આગ બુઝાવી હતી.
આ બોઇલરની પાઇપ ગત રાતે ફાટતા પાઇપ અંદર રહેલું ઓઇલ 220 ડિગ્રી જેટલું તાપમાન ધરાવતું હોય તે બહાર આવતા જ બહાર ઓક્સિજન સાથે ભળતા જ આગ ફાટી નીકળી હતી. આગ લાગવાની થોડીવારમાં જ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. જેથી તરત નગરપાલિકાના ફાયર વિભાગમાં કોલ કરવામાં આવ્યો હતો પરંતુ એ સતત બંધ આવતો હોવાથી નગરપાલિકા કચેરીએ રૂબરૂ જઈ ફાયર ફાઇટરને બોલાવવામાં આવ્યા હતાં. ત્રણ ફાયર ફાઇટર દ્વારા આગ પર ફોમ સાથેના પાણીનો મારો બે વાર ચલાવાયા બાદ અંતે આગ પર કાબુ આવ્યો હતો.