જેતપુરમાં એક હિન્દુ યુવતીનું મુસ્લિમ શખ્સે મિત્રોની મદદથી અપહરણ કર્યું હતું અને હૈદરાબાદ લઇ જઇ તેણીની મરજી વિરુધ્ધ બંનેના આધારકાર્ડમાં છેડછાડ કરી લગ્ન કરી લીધાં. અને બાદમાં જેતપુર આવી વિધિવત નિકાહ કરીને ઘરમાં જ ગોંધી રાખી હતી, એટલું જ નહીં, યુવતી પર મુસ્લિમ ધર્મનું પાલન કરવા દબાણ કરતા હોય યુવતીએ મોકો જોઇને સ્નેપચેટથી માતાને મેસેજ કરી દીધો હતો.
જેના પગલે યુવતીની માતા પુત્રીને છોડાવી લાવી હતી અને પોલીસ સ્ટેશનમાં અપહરણ, દુષ્કર્મ, જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની યુવક, તેના ભાઈ-બહેન તેમજ મિત્રો સહિત સાત શખ્સ સામે ફરિયાદ નોંધાવી હતી. જેતપુરમાં રહેતી હિન્દુ યુવતીના ઘરે તેના કાકાના દીકરા સાથે આવતા જતા અને યુવતીને બહેન કહેતા તેમજ ગોંડલ દરવાજા, મદીના મસ્જીદ પાસે રહેતા રીઝવાન ઉર્ફે રિઝઝૂ સલીમભાઈ ખેડારાએ કોઇ પણ રીતે યુવતીના ફોન નંબર મેળવી લીધા હતા અને ધીમે ધીમે વાત શરૂ કરી હતી.
ત્રણ મહિના પૂર્વે યુવતીને ઘરે હતી ત્યારે રીઝવાને કોલ કર્યો હતો અને એ સમયે યુવતીને સ્પીકર પર ફોન રાખી રીઝવાનને ચોખ્ખું પરખાવ્યું હતું કે તું મુસ્લિમ છે એટલે મારે લગ્ન નથી કરવા તેમ કહી કોલ કટ કરી નાખ્યો હતો એવામાં રીઝવાન તેમના બે મિત્રો રહીમ ઉર્ફે બાબુ તરખેશા અને સમીર ઉર્ફે ભૂરો કુરેશી એમ ત્રણેય કારમાં ધસી આવ્યા હતા અને પોલીસ ફરિયાદ કરશો તો મારી નાખીશ તેવી ધમકી આપી યુવતીનું અપહરણ કરી લઇ ગયા હતા અને ત્યાંથી પહેલાં મોરબી અને બાદમાં ચોટીલા લઈ ગયા હતા.