જેતપુર શહેરના પાંચ પીપળા રોડ પર રહેતા અને જેમના નામે શહેરની મનીષ માર્કેટ આવેલી છે તે આગેવાને કોઇ કારણોસર પોતાના ઘરે જ વહેલી સવારે ફાંસો ખાઇને જીવન ટૂંકાવી લેતાં નાના એવા ગામમાં ચકચાર મચી જવા પામી છે. સમાજના આગળ પડતા આગેવાને આ રીતે મોત શા માટે માગી લેવું પડ્યું એ ચર્ચાએ જોર પકડ્યું છે તો બીજી તરફ પોલીસે એડી નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
જેતપુર શહેરના પાંચપીપળા રોડ પર રહેતા બ્રહ્મક્ષત્રિય ( ખત્રી ) સમાજના પૂર્વ પ્રમુખ મનીષભાઈ આશરા ઉવ. 52 નામના આધેડે આજે સવારે અગમ્ય કારણસર તેમના ઘરે વહેલી સવારે ગળે ફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો.મૃતક મનીષભાઈ જમીન મકાન લે વેચમાં જેતપુરમાં ખૂબ મોટું નામ ધરાવતા, તેમના નામથી કણકીયા પ્લોટ વિસ્તારમાં મનીષ માર્કેટ આવેલી છે. તેઓએ ચાર મહિના પૂર્વે જ બ્રહ્મક્ષત્રિય સમાજના પ્રમુખપદ પરથી નિવૃત્તિ લીધી હતી.જો કે તેમના પરિવારજનો પણ તેમના આવા ઓચિંતા પગલાંથી હતપ્રભ બની ગયા છે.