રાજકોટનાં જેતપુરમાં ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેમાં પૂર્વ પ્રેમીએ બ્રેકઅપ કરતી વખતે અંગત પળોના ફોટા અને વીડિયો બતાવી યુવતીને બ્લેકમેઈલ કરી 50 હજાર પડાવી લીધા હતા. એટલું જ નહીં રૂપિયાના ભૂખ્યા આ પ્રેમીએ બ્રેકઅપનાં લાંબા સમય બાદ ન્યૂડ ફોટાઓ યુવતીના પિતાને મોકલી 5 લાખ માંગ્યા હતા. સમગ્ર મામલો સામે આવતા યુવતિનાં પિતા ચોંકી ઉઠ્યા અને પુત્રી સાથે વાત કરી આરોપીની આ હરકત મામલે જેતપુર સિટી પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. બનાવની ગંભીરતાને ધ્યાનમાં લઈ પોલીસ તરત હરકતમાં આવી હતી અને જેતપુર સિટી પોલીસે આરોપીને દબોચી લઈ કાયદાનું ભાન કરાવ્યું હતું.
મળતી માહિતી અનુસાર જેતપુરમાં રહેતો આરોપી અને જેતપુરમાં જ રહેતી આશરે 22 વર્ષીય યુવતી ત્રણેક વર્ષ પહેલા એક કંપનીમાં સાથે નોકરી કરતા હતા. બંને વચ્ચે સંપર્ક થતા આંખ મળી અને પ્રેમ સંબંધ બંધાયો હતો. પ્રેમમાં પડેલી યુવતીએ સર્વસ્વ પ્રેમીને સમર્પિત કરી દીધી હતું. જોકે આરોપી પ્રેમી ફક્ત પ્રેમનો ઢોંગ કરતો હોય તેમ જ્યારે બંને શરીર સંબંધ બાંધતા ત્યારે પોતાના મોબાઈલમાં અંગત પળોના વીડિયો ઉતારતો અને ફોટા પાડતો હતો. ત્રણેક વર્ષ બાદ આરોપીએ પોતાનું અસલી રૂપ બતાવ્યું હતું અને યુવતીને પોતાની અંગત પળોના ફોટા અને વીડિયો બતાવી બ્લેક મેઈલ કરવાની શરૂઆત કરી 50 હજાર માંગ્યા હતા. જો ન આપે તો વીડિયો ફોટા તેના પિતાને મોકલવા અને તેણીને અને તેના પિતાને મારી નાખવાની ધમકી આપતા ગભરાયેલી યુવતીએ 50 હજાર આપી બ્રેકઅપ કરી નાખ્યું હતું.