જેતપુરમાંથી બે દિવસમાં એસઓજીએ બાંગ્લાદેશથી ગેરકાયદે આવીને વસેલી બે મહિલાઓની ધરપકડ કરી છે, આ બન્ને કોઇ ગુનાહિત પ્રવૃત્તિઓમાં સામેલ છે કે કેમ તે સહિતની વિગતો ઓકાવવા રાજકોટ આઇબીને સોંપાઇ છે.
જેતપુરના નવાગઢ વિસ્તારમાં છેલ્લા આઠ વર્ષથી ગેરકાયદે રીતે રહેતી બાંગ્લાદેશની હલીમા બેગમ ઉર્ફે રેહાના મોહબર શેખ (ઉ.વ.૪૦)ને એસઓજીએ ઝડપી લીધી હતી. તેને નજરકેદ રાખી તેની કોઈ ગુનાહિત પ્રવૃતિમાં સંડોવણી છે કે કેમ તે અંગે હવે તપાસ શરૂ કરાઈ છે.
એસઓજીને પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે હલીમા બેગમ પંદર વર્ષ પહેલાં બોર્ડર ક્રોસ કરી બાંગ્લાદેશથી મુંબઈ આવી હતી. જયાં સાતેક વર્ષ રહી હતી. આ દરમિયાન અવાર-નવાર બાંગ્લાદેશ અવર-જવર પણ કરતી હતી. આઠેક વર્ષથી જેતપુરના નવાગઢ વિસ્તારમાં રહેતી હતી. આ દરમિયાન પાંચેક વર્ષ પહેલા પણ એક વખત બાંગ્લાદેશની મુલાકાત લીધી હતી.
એસઓજીના સૂત્રોએ જણાવ્યું કે હલીમા બેગમના લગ્ન થઈ ગયા બાદ તલ્લાક થઈ ગયા હતા. સંતાનમાં એક પુત્ર છે. ઉપરાંત તેના પિતા સહિતના પરિવારજનો બાંગ્લાદેશમાં રહે છે. જ્યારે શુક્રવારે પણ એક બાંગ્લાદેશી મહિલા નવાગઢ બળદેવધાર વિસ્તાર બાજુ રહેતી હોવાની બાતમીને આધારે શહેર પોલીસે ત્રાટકીને સાહિદા બેગમ નામની મહિલાની ધરપકડ કરી હતી. તેણીએ પોતે બાંગ્લાદેશી હોવાની વાત સ્વીકારી હતી અને ઉમેર્યું હતું કે પોતે 2014માં ભારત-બાંગ્લાદેશની સરહદ ઓળંગીને ગેરકાયદેસર રીતે પ્રવેશી છે અને થોડો સમય બિહારમાં રોકાઇ હતી, ત્યારબાદ ગુજરાતમાં આવી હતી. અને અહીં તે દેહવેપાર જેવી પ્રવૃત્તિ તેમજ છૂટક મજૂરી કરીને એકલવાયું જીવન જીવતી હોવાનું પોલીસને જણાવ્યું હતું.