જેતપુરના બળદેવધાર વિસ્તારમાં રહેતી રિદ્ધિબેન નાગવંશી નામની મહિલાના છૂટાછેડા લીધા છે અને તેને બે પુત્રી છે. થોડા સમય પૂર્વે તેણીના પિતાના એક મિત્ર સુત્રાપાડા તાલુકાના પ્રશ્નાવડ ગામનો ભરત જાદવ નામના શખ્સને તેણીના ઘરે લાવ્યો હતો અને રિદ્ધિબેનના પુનઃલગ્નની ઈચ્છા હોય તો આ ભરત સાથે કરાવી આપું અને બે પુત્રીઓને પણ સાચવી લેશે તેમ જણાવ્યું હતું. જેથી રિદ્ધિબેનને પણ પોતાની પુત્રીને પિતાની છત્રછાયા મળી જાય તે આશયથી તેણીએ પુનઃલગ્નની હા પાડી. એટલે ભરત જાદવે પણ તેણીના ઘરે અપ ટુ ડેટ થઈ મોટર કાર લઈને જવા લાગ્યો, અને મીઠી મીઠી વાતો કરી પોતે શ્રીમંત અને વેલસેટ હોવાનો વિશ્વાસ સંપાદન કરાવ્યો.
થોડા સમયબાદ રિદ્ધિબેનના ઘરે ભરતે આવીને જણાવ્યું હતું કે, મને સરકારી આવાસ યોજનાનું મોટું કામ મળવાનું છે અને તે માટે મારે ટેન્ડર ભરવા માટે ત્રણ લાખ રૂપિયાની જરૂર છે. અમારી પાસે આવડી મોટી રકમ ન હોય તેમ રિદ્ધિબેને જણાવતા સોનાના દાગીના હશે તો તેને બેંકમાં ગીરવે મૂકીને પૈસા મેળવી લઈશ અને બીલ પાસ થઈ જશે એટલે તરત જ હું દાગીના છોડાવી દઈશ તેવું જણાવતા, રિદ્ધિએ દાગીના સહિત 2.71 લાખનું સોનુ આપ્યું હતું. દાગીના આપ્યાના થોડા સમયમાં ભરતે વધુ એક લાખની જરૂર હોવાનું જણાવતા રિદ્ધિએ પોતાની 50 હજારની બચત અને 50 હજાર તેણીની માતાની પાસેથી લઈ એક લાખ રૂપિયા આપ્યા હતા અને આટલા પૈસા હાથમાં આવ્યા બાદ ભરત દેખાયો જ ન હતો આથી રિધ્ધને પણ માલૂમ પડ્યું હતું કે પોતે છેતરાઇ ગઇ છે. અને તેણે ભરત સામે ફરિયાદ નોંધાવી હતી.