જેતપુર જેતપુરમાં નગરપાલિકા સંચાલીત સરદાર ગાર્ડનમાં એક કિશોર બાલક્રિડાંગણમાં આવેલા ફેમીલી ઝુલામાંથી અકસ્માતે પડી જવાથી તેને માથામાં હેમરેજ થતા સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. તાજેતરમાં જ ગાર્ડનનું કરોડ રૂપિયાના ખર્ચે રીનોવેશન કરવામાં આવ્યું છે પરંતુ તેમાં મોટો ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષેપ તત્કાલીન સમયે સત્તા પક્ષના સભ્યો જ કરી ચૂક્યા છે. એ ગ્રેડની જેતપુર નગરપાલિકા હસ્તકના શહેરમાં બે ગાર્ડન આવેલ છે. એક સરદાર ગાર્ડન અને બીજો સોમનાથ ગાર્ડન જેમાં સોમનાથ ગાર્ડન છેલ્લા દસ વર્ષથી બંધ છે જ્યારે શહેરની મધ્યમાં આવેલ સરદાર ગાર્ડનનું હાલમાં જ રીનોવેશન કરવામાં આવ્યું છે. નગરપાલિકાએ લગભગ 1.20 કરોડ રૂપિયાને ખર્ચે રીનોવેશન કર્યું પરંતુ તે કામમાં રીનોવેશન બાદ પહેલાં હતો તેના કરતાં પણ વધુ બદતર બગીચો બની ગયો છે. બગીચામાં અન્ય જગ્યાએ તો સુવિધા અને સલામતીના નામે મીંડું છે જ છે, બાલક્રિડાંગણમાં પણ આવી જ સ્થિતિ છે. અહીં સીસીટીવી કેમેરા પણ નથી. આ અંગે ગાર્ડન કમીટીના ચેરમેન કિરણબેન દિલીપભાઈ રાદડિયાએ જણાવ્યું હતું કે, સીસીટીવી કેમેરા ફિટ કરવાની મેં લેખિતમાં નગરપાલિકા પાસે માંગ કરી છે,પરંતુ તેનો કોઈ રિસ્પોન્સ નથી આવ્યો.
સલામતીના અભાવે જ ગત સાંજના સમયે એક કિશોરને અકસ્માતે જીવ ખોવો પડ્યો. ટાકુડીપરા વિસ્તારમાં રહેતો ક્રિશ અશ્વિનભાઈ ગાલોરિયો નામનો કિશોર અહીં ઝુલામાં પોતાના મિત્રો સાથે બેઠો હતો ત્યારે અકસ્માતે તે પડી જતા તેને માથાના ભાગે ઇજા પહોંચી હતી અને તેને તરત જ સારવાર માટે સરકારી હોસ્પિટલે લઈ જવામાં આવ્યો ત્યાં પ્રાથમીક સારવાર આપી વધુ સારવાર માટે જૂનાગઢ સરકારી હોસ્પિટલ રીફર કરવામાં આવ્યો હતો. જ્યાં ક્રિશને માથામાં હેમરેજનો રિપોર્ટ આવ્યા બાદ તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.