જેતપુર હૈદરાબાદમાં રહેતા એક નિવૃત સરકારી કર્મચારી સાથે રૂ 67,33,046ની સાયબર છેતરપિંડી થયાની ફરિયાદ નોંધાઈ હતી. આ ગુનામાં જૂનાગઢની એક બેન્કના એકાઉન્ટમાં ૨૦ લાખ રૂપિયા જમા થયા તેના તાર જેતપુરના એક શખ્સ સુધી પહોંચ્યા હતા અને આ ગુનામાં સીટી પોલીસે તેની ધરપકડ કરી હૈદરાબાદ પોલીસને સોંપ્યો હતો. હૈદરાબાદમાં રહેતા સમીર કુમાર ચટોપાધ્યાય નામના એક નિવૃત સરકારી કર્મચારીને થોડા દિવસ પૂર્વે તેમના મોબાઈલ પર એક અજાણ્યા નંબર પરથી કોલ આવ્યો હતો. અને પોતે સીબીઆઈ અધિકારી હોવાનું જણાવ્યું હતું અને વીડિયો કોલ કરી પોતે સીબીઆઈ અધિકારી હોવાના પુરાવારૂપે બનાવટી સીબીઆઈ ઓફીસ, વરદીધારી નકલી પોલીસ બતાવ્યા હતા. ત્યારબાદ સમીરકુમારને જણાવ્યું હતું કે તમારા બેન્ક એકાઉન્ટમાં ખૂબ મોટી રકમ જમા છે તે માટે તમારી સામે મની લોન્ડરિંગનો ગુનો દાખલ થશે, જો તમારે આમાંથી બચવું હોય તો હું જણાવું તે બેન્ક એકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર કરી દો. થોડા દિવસ બાદ તમને તમારા પૈસા પાછા મળી જશે આમ કહી રૂ. 67,33,046 નકલી સીબીઆઈ ઓફિસરે જુદાજુદા એકાઉન્ટમાં ટ્રાન્સફર કરાવી લીધાં. નિવૃત સરકારી કર્મચારી એવા સમીરકુમારની જીંદગીભરની કમાણી સાયબર ફ્રોડથી લૂંટાઈ જતા તેઓએ ત્યાં પોલીસ ફરિયાદ કરી હતી.જેની તપાસ શરૂ થતાં આ કાંડના તાર જેતપુર સુધી લંબાયા હતા. આ સાયબર ફ્રોડમાં રૂ. 20,64,342 રૂપિયા જૂનાગઢની યસ બેન્કમાં વીરસ જેઠારામ ભુરા રામજી નામના વ્યક્તિના કરંટ એકાઉન્ટમાં જમા થયા હતા.
આ એકાઉન્ટ ધારક જેતપુરમાં રહેતો હોવાથી હૈદરાબાદ પોલીસના પીઆઇ પ્રમોદકુમાર તપાસ અર્થે અહીં આવ્યા હતાં. જેમાં જેતપુર પોલીસ વીરસ જેઠારામને શોધી પોલીસ સ્ટેશન લાવી પુછપરછ કરતા જાણવા મળ્યું હતું કે, તે એક મજૂર છે અને તેમના આધારકાર્ડ, પાનકાર્ડ વિગેરે ડોક્યુમેન્ટ તેના શેઠનો દીકરો ધ્રુવલ રસીકભાઈ કોરાટ તેની પાસેથી લઈ ગયો હતો. આથી પોલીસ ધ્રુવલને પકડી પોલીસ સ્ટેશન લાવી પુછપરછ કરતા તેણે જ આ એકાઉન્ટ ખોલાવ્યું હતું અને તે એકાઉન્ટ સુરત રહેતા કૌશિક પટેલ નામના શખ્સને ૫૦ હજાર રૂપિયામાં વેચી દીધું હતું. આથી, હૈદરાબાદ સાયબર ક્રાઈમ પોલીસે સાયબર ફ્રોડના ગુનામાં ધ્રુવલની ધરપકડ કરી જેતપુર કોર્ટમાં રજૂ કરી, હૈદરાબાદ મોકલી અપાયો હતો.