જેતપુરના રબારિકામાં પિતા પર પુત્રનો કાકા અને અન્ય સાગરીત સાથે મળી હુમલો

જેતપુરના રબારીકા ગામે પુત્ર કાકાના ઘરે મોડી રાત સુધી બેસતો હોય અને કાકાને જુવાન દીકરી હોવાથી પિતાએ કાકાના ઘરે જવાની ના કહેતા પુત્ર તેમજ ભાઈ, ભાભી અને ગામના અન્ય યુવાનોએ સાથે મળી પિતાને લોખંડના પાઇપ, લાકડાના ધોકાથી હુમલો કરી મોટર સાયકલ સળગાવી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ હતી.

વાલજીભાઈ બચુભાઈ કંડોળીયાએ ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદ મુજબ તેમનો નાનો દીકરો હાર્દિક ગામમાં જ રહેતા નાના ભાઈ ઘૂસાભાઈ કંડોળીયાને ત્યાં મોડી રાત સુધી પડ્યો પાથર્યો રહેતો હતો.

ભાઈને જુવાન દીકરી હોય ગામમાં બધા ખરાબ વાતો કરે તે માટે હાર્દિકને ભાઈના ઘરે જવાની ના પાડી અને ભાઈને પણ કહ્યું હતું કે હાર્દિકને તારા ઘરે આવવા દેતો નહિ.પરંતુ ઘુસાભાઈએ આ બાબતને અલગ રીતે લીધી અને રાતના સમયે લોખંડનો પાઇપ લઇ ધસી આવ્યો હતો અને સાથે તેનો ભાઈ, દીપભાઈ ભનુભાઈ લાલુ વગેરે ધસી આવ્યા હતા અને હુમલો કરી હાથ અને પગમાં ઇજા કરી હતી.

જેથી વાલજીભાઈ ડરના માર્યા ઘરની અંદર જઈ ડેલી બંધ કરી દીધી. ત્યાં તેનો દીકરો હાર્દિક આવી ગયો હતો અને ઘરની દિવાલ ટપી દરવાજો ખોલી નાખતા દીપભાઈ તેમજ ઘુસાભાઈએ ફરીથી ધોકા, પાઇપ વડે હુમલો કર્યો હતો. આટલું ઓછું હોય તેમ પુત્રએ પણ પિતાને પાઇપ વડે માર મારી બધાએ વાલજીભાઈના બાઇકને પણ નુકસાન કર્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *