જેતપુર ધોરાજીની રોયલ સાયન્સ સ્કૂલના શિક્ષક અજયભાઈ પાંચાણીને હાર્ટ એટેક આવતા અવસાન થયું હતું અને સદગતના ચક્ષુઓનું દાન કરાયું હતું. જે સાથે ધોરાજીના માનવ સેવા યુવક મંડળ અને સરકારી હોસ્પિટલને 290 મું ચક્ષુદાન મળ્યું છે. ધોરાજીના જેતપુર રોડ પર આવેલી રોયલ સાયન્સ સ્કૂલ ખાતે શિક્ષક તરીકે ફરજ બજાવતા અજયભાઈ પાંચાણી જેતપુરથી સ્કૂલે આવ્યા હતા અને એવામાં એકાએક ઉલટીઓ થતાં તેમને સ્ટાફે ધોરાજીની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડ્યા હતા જ્યાં તેમને મૃત જાહેર કરાતાં શિક્ષકગણમાં શોક છવાયો હતો. પીએમ બાદ અજયભાઈના પરિવારજનોને માનવ સેવા યુવક મંડળના ધર્મેન્દ્ર બાબરીયા અને સાગરભાઇ સોલંકીએ ચક્ષુદાન કરવા સમજાવતાં સરકારી હોસ્પિટલના અધિક્ષક ડોક્ટર જયેશ વસેટીયન સહિતના તબીબોએ ચક્ષુદાનની કામગીરી કરી હતી અને અજયભાઈના પુત્રના હાથે ચક્ષુદાન સ્વીકાર્યું હતું.