બોમ્બે હાઈકોર્ટે સોમવારે જેટ એરવેઝના સ્થાપક નરેશ ગોયલને તબીબી આધાર પર બે મહિનાના વચગાળાના જામીન આપ્યા છે. તેમણે 1 લાખ રૂપિયાના બોન્ડ ભરવા પડશે અને તેઓ મુંબઈની બહાર જઈ શકશે નહીં. ગોયલની એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા સપ્ટેમ્બરમાં મની લોન્ડરિંગ કેસમાં ધરપકડ કરવામાં આવી હતી.
ગોયલે તબીબી અને માનવીય કારણોને ટાંકીને વચગાળાના જામીનની માગણી કરી હતી. તેમને અને તેમની પત્ની અનિતા ગોયલ બંનેને કેન્સર છે. 3 મેના રોજ થયેલી સુનાવણીમાં બોમ્બે હાઈકોર્ટે પોતાનો નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો. EDએ જામીનનો વિરોધ કર્યો હતો. એવું પણ કહેવામાં આવ્યું હતું કે ખાનગી હોસ્પિટલમાં તેમનું રોકાણ એક મહિના સુધી લંબાવી શકાય છે.
કેનેરા બેંક સાથે છેતરપિંડીનો આરોપી જેટ એરવેઝના સ્થાપક નરેશ ગોયલ 6 જાન્યુઆરીએ મુંબઈની વિશેષ અદાલતમાં રડવા લાગ્યા હતા. પછી તેમણે કોર્ટને કહ્યું હતું કે તેમણે જીવનની આશા ગુમાવી દીધી છે. મારી તબિયત બહુ બગડી ગઈ છે. જેલમાં મરવું સારું. આ સાથે નરેશ ગોયલે હાથ જોડી દીધા.