શહેરના કુવાડવા પાસેના ખોરાણા ગામે રેલવે ફાટક પાસે ઢોર સાઇડમાં લેવાનું કહેતા યુવકને તારાથી શું થાય જેટલા હોય એટલા આવી જાવ તેમ કહી લાકડી ઉગામી જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કરી ખોરાણા ગામના પિતા-પુત્રએ ધમકી આપ્યાની ફરિયાદ કરતા કુવાડવા પોલીસે એટ્રોસીટી સહિતનો ગુનો નોંધી કાર્યવાહી કરી છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ ખેરાણા ગામે રહેતા અને ખેતીકામ કરતા ધર્મેશભાઇ પ્રેમજીભાઇ સોલંકી તેનું બાઇક લઇને રાજકોટથી તેના ઘેર જતા હતા ત્યારે ખોરાણા ગામના રેલવે ફાટક પાસે પહોંચતા ફાટક બંધ હોય ઊભા હતા. બાદમાં ફાટક ખુલતા તેના ગામના જયેશ બટુકભાઇ હાડગરડા પર ઢોર સાથે ઉભા હતા જેથી ધર્મેશભાઇએ કહ્યું કે તમારા ઢોર સાઇડમાં લઇ લ્યો જેથી હું નીકળી જાવ. જેથી ઉશ્કેરાયેલા જયેશએ ગાળો બોલી ઝઘડો કર્યો હતો. દરમિયાન જયેશના પિતા બટુકભાઇ અને તેના કૌટુંબિક ચના મલાભાઇ પણ આવી જતા જયેશએ કહેલ કે તારાથી શું થાય જેટલા હોય એટલાને બોલાવી લ્યો આવી જાય તમને જોઇ લેશું કહી જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કરતા આસપાસના લોકો તેમજ તેનો પિતરાઇ ભાઇ નરેન્દ્ર સોલંકી આવી જઇને છોડાવ્યો હતો.
અગાઉ પણ જયેશએ અમારા ચર્મકુંડ પર કબજો કરેલ હોય જે બાબતે માથાકૂટ થઇ હતી અને અમારા સ્મશાનમાં ઢોર બેસાડવા બાબતે પણ બોલાચાલી થઇ હોય જેનો ખાર રાખી ધમકી આપી હોવાનું જણાવતા જમાદાર શિરોડિયા સહિતે ખોરાળા ગામે રહેતો જયેશ તેના પિતા બટુકભાઇ તેજાભાઇ હાડગરડા અને ચના માલાભાઇ હાડગરડા સામે એટ્રોસીટી સહિતનો ગુનો નોંધી આરોપીઓની ધરપકડની કાર્યવાહી કરી છે.