શહેરના પેડક રોડ પરના આવાસ ક્વાર્ટર્સમાં રહેતા સફાઇ કામદાર યુવક પર પાડોશમાં જ રહેતી મહિલા અને તેના પુત્રઅે હુમલો કર્યો હતો. યુવકના સાળા સાથે અગાઉ થયેલા ઝઘડાનો ખાર રાખી માથાકૂટ કરી હતી. પેડક રોડ પરના વાલ્મીકિ આવાસ યોજનાના ક્વાર્ટર્સમાં રહેતા સફાઇ કામદાર વિજય ભગવાનજીભાઇ મકવાણાએ બી-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે એજ એપાર્ટમેન્ટમાં રહેતા વિજય હેમંત ગળિયલ તથા તેની માતા ઉષા ગળિયલના નામ આપ્યા હતા. વિજય મકવાણાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેના સાળા શૈલેષ સાથે અગાઉ વિજય તેની માતા ઉષાને ઝઘડો થયો હતો. જેનો ખાર રાખી માતા-પુત્ર ગાળો આપતા હતા.
સોમવારે વિજય મકવાણા પોતાના ઘરે હતો અને તેના ઘરનો દરવાજો ખુલ્લો હતો તે વખતે વિજય ગળિયલ અને તેની માતા ઉષા તેના ફ્લેટમાંથી નીચે ઉતર્યા હતા અને વિજય મકવાણાનો દરવાજો ખુલ્લો હોય તેની સામે જોઇને ગાળો ભાંડવા લાગ્યા હતા. વિજયએ ગાળો દેવાની ના કહેતા બંને ઉશ્કેરાયા હતા અને વિજયને માતા-પુત્રએ ઢીકાપાટુનો માર માર્યો હતો અને વિજય ગળિયલે લોખંડના પાનાના બે ઘા ફટકાર્યા હતા. ઘવાયેલા વિજય મકવાણાને હોસ્પિટલમાં ખસેડાયો હતો.