કુવાડવા રોડ પર ડી-માર્ટ પાછળ શહીદ ઉધમસિંહ ટાઉનશિપમાં રહેતાં અને આંગડિયા પેઢીમાં નોકરી કરતાં ભાર્ગવ ધર્મેશભાઈ ગોહેલ નામના યુવાન દ્વારા બી-ડિવિઝન પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે ફૈયાઝ અને સમીરના નામ આપ્યા હતા. ફરિયાદમાં યુવકે જણાવ્યું હતું કે, આરોપી ફૈયાઝ તેની બિલ્ડિંગમાં જ રહે છે. અગાઉ ફૈયાઝ સાથે યુવકને બોલાચાલી થઇ હોય જે વાતનો ખાર રાખી ફૈયાઝના મિત્ર સમીરે સાંજે ફોન કરી તેને બહાર બોલાવ્યો હતો.
બાદમાં સાંજે સાડા આઠેક વાગ્યે તે ઘર પાસે હતો ત્યારે ફૈયાઝ અને સમીર ઝઘડો કરી છરી, ધોકાથી હુમલો કરી માર મારતાં લોહીલુહાણ હાલતમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાતાં હોસ્પિટલ ચોકીના સ્ટાફે બી-ડિવિઝન પોલીસમાં જાણ કરી હતી. બનાવને પગલે પોલીસે યુવકની ફરિયાદના આધારે બંને આરોપી વિરુદ્ધ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી કરી છે. જ્યારે રૂખડિયાપરાના મલુબેન પોપટભાઈ મકવાણા નામના વૃદ્ધાએ બીમારીથી કંટાળીને ઘરે ગળાફાંસો ખાઈ આપઘાત કરી લેતા પરિવારમાં કલ્પાંત છવાયો છે. મૃતકને સંતાનમાં બે પુત્ર અને ચાર પુત્રી છે.