નાતાલ પર્વને પગલે જૂનાગઢનાં પર્યટન સ્થળો અને પવિત્ર યાત્રાધામ અંબાજી પર પ્રવાસીઓની ભીડ ઊમટી હતી. ગિરનાર પર્વત, ઉપરકોટ, વિલિંગ્ડન ડેમ, સક્કરબાગ સહિતનાં સ્થળોએ પ્રવાસીઓની જમાવટ જોવા મળી હતી. ગિરનાર ક્ષેત્રમાં આવતા પ્રવાસીઓ રોપ-વે તેમજ સીડી મારફત મા અંબા અને દત્તાત્રેય ભગવાનનાં દર્શન કરી ધન્ય થયા હતા. વર્ષનું આ અંતિમ મિની વેકશન ચાલતું હોવાથી લોકોમાં વેકેશનને લઈ ઉત્સુકતા જોવા મળી રહી છે. શનિ-રવિ અને નાતાલના તહેવારને લઈ સાસણ અને દેવળિયા સફારી પાર્ક પ્રવાસીઓથી ઊભરાયા હતા.
જૂનાગઢ શહે૨ના સક્કરબાગ, ઉપરકોટનો કિલ્લો પ્રવાસીઓથી ખીચોખીચ જોવા મળ્યો હતો. 25 ડિસેમ્બર નાતાલના પર્વ નિમિત્તે જૂનાગઢના ગિરનાર પર્વત પર દર વર્ષે હજારોની સંખ્યામાં યાત્રિકો આવે છે, જેમાંના મોટા ભાગના યાત્રિકો ગિરનારની સીડી ચડી અંબાજી અને દત્તાત્રેય સુધી જાય છે. હવે રોપ-વે થઈ ગયો હોવાથી રોપ-વેમાં પણ યાત્રિકો ગિરનારની સફર કરે છે. દેવળિયા પાર્કમાં પાંચ હજાર જેટલા પ્રવાસીઓ ઊમટી પડ્યા હતા. સાસણની આસપાસના હોટલ, રિસોર્ટ, ફાર્મહાઉસમાં પણ પ્રવાસીઓ વેકેશનની મજા માણવા પહોંચી ગયા છે. જૂનાગઢ, મેંદરડા, સાસણ રોડ પર સતત વાહનોનો પ્રવાહ શરૂ રહ્યો છે. ત્રણ દિવસના મિની વેકેશનના કારણે સાસણની હોટલોના ભાડામાં વધારો થયો છે.