રાજકોટ શહેર ભાજપમાં ચાલી રહેલા જૂથવાદ વચ્ચે પ્રથમ વખત પ્રદેશ ભાજપ દ્વારા નિરીક્ષકો મોકલી સંગઠનનું નવું માળખું બનાવવા નિર્ણય કર્યો છે. આજે પ્રદેશમાંથી નિમણુંક પામેલા નિરીક્ષક પૂર્વ સાંસદ ભરતસિંહ પરમાર અને બિજલબેન પટેલ રાજકોટ ખાતે આવી પહોંચ્યા હતા અને નેતાઓ પાસેથી યાદી મંગાવી હતી જે પ્રદેશ સુધી પહોંચાડી નવું માળખું જાહેર કરવામાં આવશે. આ વખતના નવા માળખામાં પ્રમુખ સહીત કુલ 21 લોકોનું શહેર સંગઠન માળખું તૈયાર કરવામાં આવશે જેમાં મહિલાઓને પ્રાધાન્ય આપવામાં આવશે. આ ઉપરાંત 1 આદિજાતિ મહિલા અને 1 SC પુરૂષ સંગઠનમાં ફરજીયાત લેવામાં આવશે. ઉલ્લેખનીય છે કે નિરીક્ષકોની મુલાકાત પહેલા સામાકાંઠા વિસ્તારમાં લેટરબોમ્બને લઇને રાજકારણ ગરમાયું છે.
રાજકોટ શહેર કમલમ ખાતે આજે પ્રદેશના નિરીક્ષક ભરતસિંહ પરમાર અને બિજલબેન પટેલ આવી પહોંચ્યા હતા. બન્ને નિરીક્ષકો દ્વારા રાજકોટના નેતાઓ પાસેથી નવા સંગઠન માળખા માટે યાદી મંગાવવામાં આવી હતી જે યાદી પ્રદેશ સુધી પહોંચાડવામાં આવશે અને આ પછી પ્રદેશ દ્વારા નવા માળખાની જાહેરાત કરવામાં આવશે. આજે આવેલા નેતાઓ પૈકી ધારાસભ્યો દ્વારા પોતાની વિધાનસભા દીઠ તેમના વિસ્તારમાં આવતા વોર્ડમાંથી 6-6 નામોની યાદી મંગાવવામાં આવી હતી આ ઉપરાંત પ્રદેશના હોદેદારો તેમજ પૂર્વ મંત્રીઓને પણ બોલાવી તેમની પાસેથી આવનાર ચૂંટણીને ધ્યાનમાં રાખી નવા સંગઠન માટે યોગ્ય ઉમેદવારો પસંદગી માટે નામ મંગાવવામાં આવ્યા હતા.
રાજકોટ શહેર કમલમ ખાતે આજે પ્રથમ વખત લેવાયેલ સંગઠન માળખા માટે પ્રદેશના નિરીક્ષકો આવી પહોંચ્યા હતા જેમાં નિરીક્ષકો દ્વારા પ્રદેશના હોદેદાર ડો. ભરત બોઘરા, બીનાબેન આચાર્ય, પૂર્વ મંત્રીઓ ગોવિંદ પટેલ, ઉમેશ રાજ્યગુરુ, અરવિંદ રૈયાણી, ભાનુબેન બાબરીયા, ધારાસભ્ય ઉદય કાનગડ, રમેશ ટીલાળા, ડૉ.દર્શિતાબેન શાહ, રાજ્યસભાના સાંસદ રામ મોકરિયા, વર્તમાન પ્રમુખ ડો. માધવ દવે, પૂર્વ પ્રમુખ મુકેશ દોશી અને મેયર નયનાબેન પેઢડિયા પાસેથી સંગઠન માટે યોગ્ય ઉમેદવારના નામ માંગવામાં આવ્યા હતા.