જુગાર રમવાની ના પાડતાં પરિણીતાને સાસરું છોડવું પડ્યું. લો…બોલો આવું ક્યાંય બને?…આ ચોંકાવનારો કિસ્સો રાજકોટમાં બન્યો છે. જન્માષ્ટમીનો જ્યાં સૌથી વધુ ક્રેઝ જોવા મળે છે એવા રાજકોટમાં એક પરિવારે ઘરની વહુને જન્માષ્ટમી-શ્રાવણિયો જુગાર રમવા કહ્યું, તો વહુએ જવાબ આપ્યો કે હું શિક્ષિત પરિવારમાંથી આવું છું, હું જુગાર નહીં રમું.
બસ, પછી શું વિવાદ એટલો બધો વધ્યો કે પત્નીને સાસરું છોડવા મજબૂર થવું પડ્યું. આખરે પરિણીતા કોર્ટ પહોંચી ને અમદાવાદ જિલ્લા અદાલતે રાજકોટના એક પુરુષ અને તેનાં પરિવારજનોને શ્રાવણ માસ દરમિયાન પત્નીને જુગારની પરંપરામાં ભાગ લેવા માટે મજબૂર કરીને તેને હેરાન કરવા બદલ દોષિત ઠેરવ્યા, સાથે સાથે કોર્ટે ઘરેલુ હિંસા અધિનિયમ હેઠળ પતિને માસિક ભરણપોષણ, ઘરભાડા માટે સહાય તથા વળતર ચૂકવવાનો આદેશ આપ્યો છે.
મહિલાએ કહ્યું, તે શિક્ષિત પરિવારમાંથી, જુગાર રમશે નહીં કેસની વિગતો મુજબ હાલ નિકોલ વિસ્તારમાં રહેતી મહિલાએ જાન્યુઆરી, 2017માં રાજકોટના એક કરિયાણાની દુકાન ચલાવતા યુવક સાથે લગ્ન કર્યા હતા. શરૂઆતમાં બધું ઠીક હતું, પરંતુ શ્રાવણ માસ દરમિયાન તેનાં સાસરિયાંએ ઘરમાં સૌ જુગાર રમતા હોવાથી તેને પણ જુગારમાં ભાગ લેવા માટે આગ્રહ કર્યો હતો. મહિલાએ પોતે શિક્ષિત પરિવારમાંથી આવતી હોવાને કારણે જુગાર નહીં રમે એવું કહીને ઇનકાર કર્યો હતો.