રાજકોટ સહકારી ક્ષેત્રની મહત્ત્વની ગણાતી સંસ્થા જિલ્લા સહકારી બેંકની ચૂંટણીનું કાઉન્ટ-ડાઉન શરૂ થઇ ચૂક્યું છે. જુલાઈમાં વર્તમાન બોડીની મુદત પૂરી થશે. ચૂંટણી માટે જિલ્લા રજિસ્ટ્રારને દરખાસ્ત કરવામાં આવી છે. જિલ્લા રજિસ્ટ્રાર હવે કલેક્ટરને દરખાસ્ત કરશે.
જિલ્લા બેંકની ચૂંટણીના મુખ્ય ચૂંટણી અધિકારી કલેક્ટર હોય છે. જિલ્લા રજિસ્ટ્રાર દ્વારા ચૂંટણી કરવા માટેની દરખાસ્ત કરાયા બાદ ચૂંટણી પ્રક્રિયા શરૂ થતી હોય છે. જોકે કલેક્ટર સુધી આ દરખાસ્ત પહોંચી નથી. બેંકે કરેલી જિલ્લા રજિસ્ટ્રારની દરખાસ્તમાં સભ્ય સહકારી મંડળીઓના ઠરાવોની ચકાસણી શરૂ કરી દેવામાં આવી છે. હજુ કલેક્ટરને દરખાસ્ત થતા બે સપ્તાહ જેટલો સમય લાગશે. ઠરાવોની ચકાસણીમાં લોન ડિફોલ્ટ મંડળીઓ બહાર આવશે તો તેને ગેરલાયક ઠેરવીને મતદારયાદીમાંથી તેનું નામ રદ કરી દેવાતું હોય છે.આ દરેક પ્રક્રિયા લાંબી અને સમય માગી લે છે. રાજકોટ જિલ્લા બેંકની ચૂંટણી 17 બેઠક પર થતી હોય છે. તેમાં ખેડૂત વિભાગની 13, શરાફી મંડળીની બે, ઈતર વિભાગ તથા રૂપાંતર વિભાગની 1-1 બેઠકનો સમાવેશ થાય છે.કુલ મળીને અંદાજિત 450 મતદાર છે. જો નવા કાયદા હેઠળ ચૂંટણી થશે તો અનેક નવા બદલાવો જોવા મળશે.