રાજકોટ જિલ્લા પંચાયતમાં સોમવારે ખાસ કારોબારી સમિતિની બેઠક યોજાઇ હતી. જે બેઠકમાં રૂ.51.85 કરોડના 29 કામોની મંજૂરી આપવામાં આવી છે. જિલ્લા પંચાયત કારોબારી સમિતિના અધ્યક્ષ પી.જી.કયાડા, સચિવ અને જિલ્લા વિકાસ અધિકારી નવનાથ ગવ્હાણે, નાયબ જિલ્લા વિકાસ અધિકારી, કારોબારી સમિતિના સભ્યો તેમજ જિલ્લા પંચાયતના વિવિધ શાખાઓના અધિકારીઓ બેઠકમાં હાજર રહ્યા હતા. બેઠક દરમિયાન બાંધકામ અને સિંચાઇ શાખાના કામોને મંજૂરી આપવામાં આવી છે. કારોબારી સમિતિની બેઠકમાં વિવિધ કામોના એજન્ડાઓની વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. બાદમાં કુલ રૂ.51,84,88,420ના ટેન્ડર તથા વહીવટી વિકાસના કુલ 29 કામની મંજૂરી આપવામાં આવી છે. બેઠક દરમિયાન સિંચાઇ શાખાના કુલ 11 કામોના રૂ.7,68,96,851ના ટેન્ડર અને રૂ.5,05,88,000ના કુલ 5 કામોની વહીવટી મંજૂરીનો સમાવેશ થાય છે. પંચાયત શાખામાં બે નવા કમ્પ્યૂટર, 1 સ્કેનર કમ પ્રિન્ટર ખરીદવા રૂ.3 લાખ સુધીના ખર્ચ અને પંચાયત વિકાસ સૂચકાંક અંગેના રિજિયોનલ વર્કશોપમાં જમવા અંગેના રૂ.43,065ના બિલની મંજૂરી આપવામાં આવી છે. મહેસૂલ અને જમીન દબાણ શાખામાં પણ નવા કમ્પ્યૂટર, પ્રિન્ટરની ખરીદી કરવાની મંજૂરી આપવામાં આવી છે. જસદણના તાલુકાના ભાડલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના સ્ટાફ ક્વાર્ટર અને રાજકોટ તાલુકાના સણોસરા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના સ્ટાફ ક્વાર્ટર ડિસ્મેન્ટલ કરવાની પણ બેઠકમાં મંજૂરી આપવામાં આવી છે. બેઠકમાં રૂ.39,05,10,504ના બાંધકામના ટેન્ડર પણ મંજૂર કરવામાં આવ્યા છે.