રાજકોટ જીલ્લા પંચાયતના પુન: નિર્માણ માટેની કાર્યવાહી આગળ ધપી રહી છે. હવે આખુ વહીવટીતંત્ર જુની કોર્ટ બિલ્ડીંગની વૈકલ્પીક જગ્યામાં શીફટ થઇ ગયું છે. જ્યારે ખાલી થયેલી ઓફિસોમાંથી ફર્નિચર સહિતની ચીજવસ્તુઓ કાઢી લેવાની કાર્યવાહી આરંભી દેવામાં આવી છે. રાજકોટ જીલ્લા પંચાયતના વર્તમાન બિલ્ડીંગને નવેસરથી બનાવવા માટે અંદાજીત છ માસ પૂર્વે મંજૂરી આપવામાં આવી હતી પરંતુ, વૈકલ્પિક જગ્યા મળવામાં ઢીલ સહિતના કારણોસર સ્થળાંતર પ્રક્રિયા મોડી શક્ય બની હતી. ગત મહિને પંચાયતમાં બેસતા તમામ વિભાગોની કચેરીઓનું સ્થળાંતર થઇ ગયું હતું. હવે આજથી જીલ્લા વિકાસ અધિકારી (ડીડીઓ), ડે. ડીડીઓ સહિતના સિનિયર અધિકારીઓની ઓફિસોનું પણ સ્થળાંતર કરી દેવામાં આવ્યું હતું. આમ સમગ્ર વહીવટીતંત્ર વૈકલ્પિક જગ્યા એવા જૂના કોર્ટ બિલ્ડીંગમાં કાર્યરત થઇ ગયું છે અને માત્ર શાસકો-પદાધિકારીઓ જ વર્તમાન બિલ્ડીંગમાં છે.