રાજ્યમાં વ્યાજખોરો વિરોધી અભિયાન દરમિયાન રાજકોટ રેન્જ હેઠળમાં પોલીસે 164 લોકદરબાર યોજીને રજૂઆત બાદ 12 ગુના દાખલ કરી 26 વ્યાજખોરની ધરપકડ કરી તેમજ 25 જરૂરિયાતમંદ લોકોને પોલીસે મધ્યસ્થી કરીને રૂ.1,71,40,276ની લોન ધિરાણ અપાવ્યું છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ રાજકોટ રેન્જ આઇજી અશોકકુમાર યાદવની સૂચના અને વડપણ હેઠળ રાજકોટ, જામનગર, મોરબી, દ્વારકા અને સુરેન્દ્રનગર જિલ્લામાં એસ.પી.ના માર્ગદર્શન 164 જેટલા લોકદરબારના આયોજન કરવામાં આવ્યા હતા. જેમાં વ્યાજખોરોનો ભોગ બનેલાઓને સાંભળવામાં આવ્યા હતા અને લેખિત ફરિયાદ લઇ તપાસ હાથ ધરી ફરિયાદીઓ તરફે યોગ્ય કાર્યવાહી કરી હતી. તેમજ વ્યાજખોરો સામે 12 ગુના નોંધી 26 આરોપીની ધરપકડ કરી હતી અને વ્યાજખોરીની ચુંગાલમાં ન ફસાઇ અને શરાફી નાણાં મળી રહે તે માટે પોલીસે નવ કેમ્પનું આયોજન કર્યું હતું અને 25 જેટલા અરજદારને 1.71 કરોડથી વધુ રકમની લોન ધિરાણ કરાવી આપવામાં પોલીસે મદદ કરી હતી.